હર હર મહાદેવ….ગરવા ગીરનારની ગોદમાં ભવનાથ મહાદેવ
- ભવનાથ એટલે આખા ભવનો નાથ
- ભવનાથ મંદિમાં ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હોવાની માન્યતા
ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે – જેમા નાનું શિવલિંગ સ્વયંભૂ છે
જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરી હોવાની માન્યતા
ભવનાથ એટલે આખા ભવનો નાથ…..આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. વોઈસ ઓફ ડેની શિવાલય યાત્રા આજે પહોંચી છે જુનાગઢ જ્યાં ગરવા ગીરનારની ગોદમાં ભવનાથ મહાદેવ બિરાજે છે. ગિરનારની હરિયાળી આ સ્થળને વધુ રળીયામણું બનાવે છે. ખાસ કરીને મહાશિવરાત્રીના અવસર પર અહીં યોજાતો મેળો વિશેષ મહત્વ ધરાવે છે. ભવનાથ મંદિમાં ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હોવાની માન્યતા છે. ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે – જેમા નાનું શિવલિંગ સ્વયંભૂ છે જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરી હોવાની માન્યતા છે. દ્રોણાચાર્યના પૂત્ર અશ્વત્થામાએ મહાભારતના યુદ્ધમાં જીત મેળવવા આ જગ્યામાં શિવલિંગની સ્થાપના કરી તપશ્વર્યા કરી હતી.
પ્રાચીન માન્યતા અનુસાર ગિરનાર પર નવ નાથ, 64 જોગણી, 84 સિદ્ધ અને 52 વીરનાં બેસણાં છે. ગીરનાર પર્વત ચઢાણ કરવાની પહેલા ભવનાથ મંદિરના દર્શન કરવાની પરંપરા છે. ભવનાથ મંદિરમાં દર વર્ષે શિવરાત્રીએ યોજાતી રેવાડી જોવા દૂર દૂર થી મોટી સંખ્યામાં લોકો જુનાગઢ આવે છે. નાગા સાધુઓ, સંતો ભવનાથ મંદિરમા આવેલા મૃગી કુંડમાં સ્નાન કરે છે. ભવનાથ મંદિરના મુખ્ય તહેવારોમાં શિવરાત્રી, લીલી પરિક્રમા, શ્રાવણ માસ મુખ્ય છે. જુનાગઢમાં ભવનાથ મંદિર ઉપરાંત ગિરનાર પર્વત, દામોદર કુંડ, અડીકડી વાવ સહિત ઘણા દર્શનિય અને પ્રવાસન સ્થળો છે.

શ્રાવણ માસ દરમિયાન ભવનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે અને ગિરનારની પવિત્ર ભૂમિમાં મોટી સંખ્યામાં ભક્તોએ શિવની પૂજા અર્ચના કરતા હર હર મહાદેવના નાદથી મંદિર ગૂંજી ઉઠે છે. શ્રાવણ માસમાં ભવનાથના દર્શન કરીને ભક્તો જણાવે છે કે તેઓ અહીં દર્શન કરીને જીવનને ધન્ય માને છે અને ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ખુબ જ આનંદ અનુભવે છે. તેમને ભોળાનાથના સાનિધ્યમાં જે ખુશીનો અહેસાસ થાય છે તેનું કોઈ વર્ણન ન કરી શકાય.
ભવનાથ મંદિરનો ઇતિહાસ
સ્કંદપુરાણમાં જણાવ્યા અનુસાર એકવાર માતા પાર્વતી મહાદેવને ભવનાથનો ઇતિહાસ પૂછે છે, ત્યારે મહાદેવ તેમને જણાવે છે કે, સૌરાષ્ટ્ર દેશમાં વસ્ત્રાપથ નામની એક જગ્યા છે. જ્યાં બિલિપત્રના ઝાડની મધ્યમાં મારું લિંગ છે. જેમાં મહાશિવરાત્રીના દિવસે અજાણતા જ એક પારધી આવે છે અને તે શિવલિંગની પૂજા કરે છે. તેમજ તે આખી રાત જાગરણ કરીને પૂજા-અર્ચના કરે છે.
અહી એક પારધીએ બીલીના વૃક્ષ નીચે બેસીને પૂરી રાત બીલીપત્રો તોડીને અપૂજ શિવલિંગ મૂક્યા અને ભવ તરી ગયો હતો. લોકવાયકા મુજબ મહાવદ ચૌદશને દિવસે પારધી અને ઇન્દ્રદેવે પણ શિવલિંગની પૂજા કરી હતી. ત્યારથી જ શિવલિંગ ભવેશ્વર તરીકે સ્થાપિત થયું હતું. હાલ ભવનાથ તરીકે ઓળખાય છે.
મંદિરની સામે જ બિરાજમાન વસ્ત્રાપથેશ્વર મહાદેવ : અતુલ દવે

ભવનાથ મંદિર મેનેજર અતુલ દવે અને સ્કંદપુરાણ અનુસાર એક વખત મહાદેવ કૈલાશમાંથી માતા પાર્વતીથી રિસાઈને અંતરધ્યાન થઈ ગયા હતા. ત્યારે માતા પાર્વતીએ તેમને શોધવા માટેના અનેક પ્રયત્નો કર્યા, દેવતાઓ સાથે પણ વાર્તાલાપ કર્યો કે હવે મહાદેવને કેવી રીતે મહાદેવને કેવી રીતે પ્રાપ્ત કરવા તેમના પ્રશ્નનો યોગ્ય ઉત્તર કોઈ પણ દેવતા આપી શક્યા નહિ ત્યારે અને છેવટે તેઓ નારદમુની પાસે ગયા અને તેમણે કહ્યું કે શિવને પ્રાપ્ત કરવા હોય તો તપ અને સાધના સિવાઈ કોઈ રસ્તો નથી. ત્યારબાદ નારદમુનીએ માતા પાર્વતીને રેવતાચલ પર્વત (હાલનો ગીરનાર) પર ત્યારબાદ માતા પાર્વતી અને 33 કરોડ દેવતા તપ સાધનામાં જોડાણા. તે તમામની તપ સાધનાથી પ્રસન્ન થઇને પોતાનું મૃગચર્મ આ જગ્યા પર ફેંક્યું આજે એ જગ્યા વસ્ત્રાપથેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અહીં જે કોઈ લોકો મહાદેવના દર્શન કરે છે તેની ઈચ્છા મનોકામના પૂર્ણ થાય છે.
મૃગીકુંડ

ભક્તિ,ભોજન અને ભજનનો અનોખો સમન્વય એટલે જુનાગઢમાં આવેલી ભવનાથ તળેટી.ભવનાથનો મેળો ગિરનારનાં પ્રથમ પગથિયાની આસપાસ આવેલી ભવનાથ તળેટીમાં દરવર્ષે વૈશાખ સુદ નોમ થી પુનમ એટલેકે શિવરાત્રિ સુધી ભરાય છે. આમ અહીં ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિએ યોજતા ભવનાથનાં મેળામાં પણ સાધુ-સંતોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, કારણકે અહીં ઘણા બધા સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે.
