આજે પણ અન્નકોટનો પ્રથમ થાળ રાજ પરિવારને મોકલાય છે
ભગવાન શ્રી રામનું ૩૦૦ વર્ષ જૂનું પ્રાચીન મંદિર
કરણપરામાં આવેલા શેરી નં.૩માં આવેલું મંદિર ‘રામવાડી રામજી મંદિર’ તરીકે છે પ્રખ્યાત: હાલ જર્જરિત બનેલા આ મંદિરનો જીણોદ્ધાર કરી બનાવાશે શિખરબદ્ધ મંદિર

રામ નવમની નજીક આવી રહી છે. સનાતન ધર્મના લોકો રામ નવમી ઉજવવા તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં ભગવાન શ્રી રામનું ૩૦૦ વર્ષ જૂનું અતિ પ્રાચીન મંદિર ‘રામવાડી રામજી મંદિર’ આવેલું છે. જેનો ઇતિહાસ શહેરના રાજ પરિવાર સાથે પણ જોડાયેલો છે.

મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તારીખે થયો હતો. જેથી તે તારીખ રામ નવમી તરીકે પ્રસિદ્ધ છે. તા.૧૭મીએ રામ નવમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. રામ મંદિરોમાં વિશેષ આરતી-પૂજા કરવામાં આવશે ત્યારે રાજકોટના ઇતિહાસ સાથે જોડાયેલા શહેરના કરણપરા શેરી નં.૩માં રામવાડી રામજી મંદિર આવેલું છે. જે રાજકોટવાસીઓની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલું છે. આ મંદિર અંદાજે ૩૦૦ વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. હાલનુ કરણપરા જ્યારે વર્ષો પહેલા જંગલ હતું ત્યારે અહી રવિભાણ સંપ્રદાય સાથે જોડાયેલા મહંત વિરદાસ બાપુએ આ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરમાં આજે પણ વિરદાસ બાપુની ગાડી રાખવામાં આવી છે.

આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરતાં વર્તમાન ગાદીપતિ મૈયારામ બાપુએ કહ્યું હતું કે, આજથી ૩૦૦ વર્ષ પહેલા વિરદાસ બાપુએ અહી આવ્યા હતા અને એમણે આ મંદિરની સ્થાપન કરી હતી. તે સમયે રાજકોટમાં માત્ર બે જ મંદિર હતા. એક રાણીમાં-રુડીમાં અને બીજું રામવાડી રામજી મંદિર. એવું કહેવાય છે કે, રાણીમાં-રુડીમાં જ્યારે શહેરમાં દૂધ દઈને પાછા વળતાં ત્યારે અહી વિસામો કરતાં હતા. એટલે આ મંદિરને રાણીમાં-રુડીમાંના વિસામાં તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મંદિર વર્ષો જૂનું હોય જે-તે સમયે રાજ પરિવાર પણ અહી ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે આવતો હતો. મંદિરના મહંત મૈયારામ બાપુએ કહ્યું હતું કે, મંદિરમાં જે અન્નકોટ ધરાવવામાં આવે છે તેનો પ્રથમ આજે થાળ આજે પણ રાજ પરિવારને મોકલવામાં આવે છે. આ પ્રણાલિકા આજે છઠ્ઠી પેઢીએ પણ ચાલુ છે.
વિરદાસ બાપુ તે સમયે રામ રોટી લેવા જતાં હતા અને તેનાથી સાધુ-સંતોને જમાડતા હતા. જૂનાગઢમાં શિવરાત્રી સમયે લંબે હનુમાન મંદિર સામે વિરદાસ બાપુની જગ્યા ચાલે છે. જ્યાં વર્ષોથી અન્નક્ષેત્ર પણ ચાલે છે. વર્ષો જૂના આ મંદિરમાં આજે પણ શહેરીજનો ભક્તિ ભાવ સાથે મોટી સંખ્યામાં આવે છે. આ મંદિરમાં તમામ પ્રસંગોની માત્ર શ્રદ્ધા સાથે નહી પરંતુ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. હાલ આ મંદિર જર્જરિત બનતા ભક્તો દ્વારા ફાળો એકઠો કરીને મંદિરના જીણોદ્ધાર કરાવી રહ્યા છે. આ મંદિર આખું પાડીને નવું શિખરબધ્ધ મંદિર બનાવવામાં આવશે.
અન્નપૂર્ણા વ્રત નિમિત્તે મગસર સુદ છઠ્ઠથી માગસર વદ બારસ સુધી બાળકોથી લઈને મોટેરાઓ સૌ કોઈ માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જ્યારે રામ નવમી નિમિત્તે મંદિરને ખાસ શણગાર કરવામાં આવે છે અને વિશેષ આરતી-પુજા કરવામાં આવે છે. આરતી બાદ ભક્તોને ફરાળ પણ કરાવવામાં આવે છે. આ મંદિરમાં ઈન્દ્રેશ્વર મહાદેવ, અંબે માતાજી, શીતળા માતાજી, હનુમાનજી દાદા, ખોડિયાર માતાજીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.
રાજ પરિવાર સાથે જોડાયેલા આ મંદિરમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે જ્યારે ઘંઉની સિઝનમાં પ્રથમ ઘઉની આ મંદિરમાં મોકલવામાં આવતા હતા. જ્યારે હાલમાં વર્ષોથી સ્વ. મનોહરસિંહ દાદા (રાજ પરિવાર)ની વાડીએથી ઘઉની પ્રથમ ગુણી મંદિરમાં આપવામાં આવે છે. જે પરંપરા આજે પણ યથાવત છે.
વર્ષોથી ચાલે છે અખંડ સત્સંગ
રામવાડી રામજી મંદિરનો ઇતિહાસ જેટલો જૂનો છે તેટલો જ ઇતિહાસ આ મંદિરમાં ચાલતા સત્સંગનો પણ છે. મંદિરમાં અંદાજે ૫૦થી પણ વધુ વર્ષથી અખંડ સત્સંગ ચાલે છે. જે પરંપરા આજે પણ ચાલુ છે. સાંજે આ વિસ્તારની મહિલાઓ ૨ કલાક સત્સંગ કરે છે અને આરતી કરીને સૌ છૂટા પડે છે.
છઠ્ઠી પેઢીએ મૈયારામ બાપુ મંદિરના છે મહંત મંદિરના મહંત અને પૂજારી મૈયારામ બાપુએ કહ્યું હતું કે, હાલ જે જગ્યાએ મંદિર છે તે જગ્યા વિરદાસ બાપુની છે. સૌ પ્રથમ વિરદાસ બાપુએ મંદિરની પુજા-સેવા કરી. ત્યારબાદ ભગવાનદાસ બાપુ, મગ્નિરામ બાપુ, આત્મારામ બાપુ, નારાયણ દાસ બાપુ અને હાલમાં મહંત તરીકે મૈયારામ બાપુ મંદિરમાં સેવા-પુજા કરી રહ્યા છે.
