70 વર્ષ બાદ દેવાધિદેવ મહાદેવના પર્વ પવિત્ર શ્રાવણ માસનો સોમવારે પ્રારંભ
આજથી દેવાધિદેવ મહાદેવનાં પર્વ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ માસએ શિવનો માસ તેમજ અતિ પવિત્ર માનવામાં આવે છે. શિવ આરાધના માટે ઉત્તમ મનાતા આ શ્રાવણ માસની શરૂઆત અને પૂર્ણાહુતિ બંને સોમવારે જ થવાના છે અને આવો સંયોગ ૭૨ વર્ષ પછી આવ્યો છે. આજથી તમામ શિવાલયોમાં સતત એક મહિના સુધી ભગવાન શંકરની આરાધના થશે. ભગવાન શિવજીને જળાભિષેક, દુધાભિષેક અને બિલીપત્ર અર્પણ કરી ભક્તો આરાધના કરશે.
સમગ્ર રાજ્યમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે પણ ભક્તિભાવ પૂર્વક શ્રાવણ મહિના નિમિત્તે વિશેષ પૂજા, શણગાર અને સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આજે મોટી સંખ્યામાં ભક્તોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનૂભવી છે.
આજે સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાયા હતા. મંગળા આરતી અને શણગાર આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો. સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ભક્તો લાંબી લાંબી કતારમાં મોડી રાતથી જ ઊભા હતા.