ચોથું નોરતું મા કુષ્માંડાને સમર્પિત : જાણો માતાજી સાથે જોડાયેલી પવિત્ર કથા અને પૂજાના મહત્વ વિશે
નવરાત્રિ દરમિયાન, ચોથા દિવસે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે દરેક વ્યક્તિ ધાર્મિક વિધિ મુજબ મા દુર્ગાની પૂજા કરે છે અને ભોગ, મીઠાઈ અને ફળ અર્પણ કરીને આરતી કરે છે. માલપુઆ માતાને પણ ખૂબ પ્રિય છે. તેથી પૂજામાં માલપુઆ પણ રાખવા જોઈએ.
દેવી ભાગવત પ્રમાણે કુષ્માંડા દેવીએ પોતાના ઉદરથી અંડ અર્થાત્ બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. તેને લીધે દુર્ગાના આ સ્વરૂપનું નામ કુષ્માંડા પડ્યું. જ્યારે ચારેય તરફથી અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ જ પોતાના બ્રહ્માની શક્તિના રૂપમાં પોતાના ઉદરથી બ્રહ્માંડની રચના કરી હતી. તેમને જ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિ શક્તિ માનવામાં આવે છે. સૃષ્ટિની રચના કર્યા પછી તેમાં પ્રકાશ પણ તેમના કારણે જ આવ્યો છે. એટલા માટે તે સૂર્યલોકમાં નિવાસ કરે છે.
માતા કુષ્માંડાના દિવ્ય રૂપને માલપુઆનો ભોગ લગાવીને કોઈપણ દુર્ગા મંદિરમાં બ્રાહ્મણોને તેનો પ્રસાદ આપવો જોઈએ. તેનાથી માતાની કૃપા સ્વરૂપ તેમના ભક્તોને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, બુદ્ધિ અને કૌશલનો વિકાસ થાય છે. દેવીને લાલ વસ્ત્ર, લાલ પુષ્પ, લાલ બંગડી પણ અર્પિત કરવી જોઈએ. દેવી યોગ-ધ્યાનની દેવી પણ છે. દેવીનું આ સ્વરૂપ અન્નપૂર્ણાનું પણ છે. ઉદરાગ્નિને શાંત કરે છે. પૂજા કર્યા પછી દેવીના મંત્રનો જાપ કરવો જોઈએ.
કુષ્માંડા દેવીનો મંત્રઃ
सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च ।दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदाऽस्तु मे ॥
અર્થ- જે કળશ મદિરાથી ભરેલો છે, રૂધિર અર્થાત્ રક્તથી લથપથ છે. એવા કળશને માતા ભગવતીએ પોતાના બંને કર કમળોમાં ધારણ કર્યો છ. એવી માતા કુષ્માંડા મને શુભતા અર્થાત્ કલ્યાણ પ્રદાન કરો.
માતા કુષ્માંડાનું આવું સ્વરૂપ છે- કુષ્માંડા દેવીની આઠ ભુજાઓ છે, જેમાં કમંડળ, ધનુષ-બાણ, કમળ પુષ્પ, શંખ, ચક્ર, ગદા અને બધી સિદ્ધિઓને આપનારી જપમાળા છે. માતાની પાસે આ બધી વસ્તુઓ સિવાય હાથમાં કળશ પણ છે. જે સુરાથી ભરેલો છે અને રક્તથી લથપથ છે. તેમનું વાહન સિંહ છે અને તેમના આ સ્વરૂપની પૂજા કરવાથી ભયથી મુક્તિ મળે છે. તેમની ભક્તિથી આયુ, યશ અને આરોગ્યનો વધારો થાય છે.
પૂજાનું મહત્વ- દેવી કુષ્માંડા ભય દૂર કરે છે. જીવનમાં બધા પ્રકારના ભયથી મુક્ત થઈને સુખથી જીવન વીતાવવા માટે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. દેવી કુષ્માંડાની પૂજાથી આયુ, બળ, યશ અને સ્વાસ્થ્યમાં વધારો થાય છે. તેમની પૂજાથી દરેક પ્રકારના રોગ, શોક અને દોષ દૂર થઈજાય છે. કોઈ પ્રકારનો કલેશ પણ નથી થતો. દેવી કુષ્માંડાને કુષ્માંડા અર્થાત્ કોળાની બલી આપવામાં આવે છે. તેની બલીથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે. કુષ્માંડાની પૂજાથી સમૃદ્ધિ અને તેજ પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી જીવનમાં વ્યાપ્ત અંધકાર દૂર થાય છે
એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટીનું અસ્તિત્વ ન્હોતું ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી. આ જ સૃષ્ટીની આદિ-સ્વરૂપા, આદિશક્તિ છે. આમનું નિવાસ સૂર્યમંડલની અંદરના લોકમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં જ છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની સમાન છે. માતા કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. માતા કૂષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે.
માતા કૂષ્માંડાનું વાહન સિંહ છે. નવરાત્રીના ચોથા દિવસે કૂષ્માડા દેવીના સ્વરૂપની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે માતા કૂષ્માન્ડાની ઉપાસનાથી આયુ, યશ, બળ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે.