લૂંટના ઈરાદે યુવકને છરી ઝીંકી દેતા સારવારમાં મોત : બનાવ હત્યામાં પલટાયો
સવા માસ પૂર્વે ભગવતીપરા રેલ્વે ફાટક પાસે ચાર શખસોએ યુવકને લૂંટી લેવા છરી ભોંકી આંતરડા કાઢી નાંખ્યા’તા : બી-ડિવિઝન પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો
શહેરના ભગવતીપરા રેલ્વે ફાટક પાસે શેરી નં. ૧માં રહેતો હાર્દિક નામનો યુવાન સવા માસ પૂર્વે ઘર નજીક ફાકી ખાવા ગયો ત્યારે ચાર શખ્સોએ આવી ફાકી માંગતા તેણે ફાકી નથી તેમ કહેતાં તેના પેટમાં છરી ભોંકી આંતરડા બહાર કાઢી નાંખી હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. આ યુવાનનું સારવાર દરમિયાન ગઈકાલ સવારે મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.જયારે પકડાયેલા આરોપીઓ સામે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.

વિગતો મુજબ ભગવતીપરા શેરી નં-1 મા રહેતાં હાર્દીક નટુભાઈ ચૌહાણ (ઉ.વ.24) નામનાં યુવક પર ગત 1-12-24ના રોજ રાત્રિના ભગવતી પરા રેલ્વે ફાટક પાસે હતો ત્યારે સની ઉર્ફ ચડીયો કલુભાઈ ઉધરેજીયા (ઉ.વ.૧૮-રહે. ભગવતીપરા). સાગર શામજીભાઇ ઉધરેજીયા (ઉ.વ.૧૮). શિવરાજ વિનુભાઇ ઉધરેજીયા (ઉ.વ.૨૧-રહે. લાલપરી તળાવ પાસે) તથા એક સગીરે હાર્દીક પાસે ફાંકી માંગી હતી. ફાકી આપવાની ના પાડતાં યુવકને છરી ઝીંકી દીધી હતી.બનાવની જાણ યુવકનાં પરિવારજનોને થતા તુરંત દોડી ગયા હતા. અને પરિવારજને જોયું તો હાર્દિક જમીન ઉપર ટ્રેકની બાજુના ભાગે લોહીલોહાણ હાલાતમા પડેલ હતો. અને હાર્દિકના આંતરડાનો ભાગ પેટની બહારની તરફ નીકળી ગયેલ હતો. બાદ યુવકને તાકિદે 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા સારવારમાં તેને ગઇકાલે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.અને આ મામલે બી ડિવિઝન પોલીસે ચારેય શખસો સામે હત્યાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરી છે.જોકે હાલ હત્યાની કોશિશના ગુનામાં આરોપીઓ જેલમાં છે.