3.40 કરોડની છેતરપિંડી કરનાર સ્વામી ગેંગના વધુ બે સાગરીત પકડાયા
રાજકોટના એસ્ટેટ બ્રોકર સાથે
રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ ભુપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણને ગોવાથી ઝડપી લીધા : ચાર સ્વામી સહીત પાંચ આરોપીઓ હજુ ફરાર : એક રિમાન્ડ પર
સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતની ટોળકીએ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવાની વાત કરી રાજકોટનાં જમીન મકાનના ધંધાર્થી જસ્મીનભાઈ માઢક અને તેમના પાર્ટનરને ફસાવી રૂ.3.40 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખા પાસે જતાં પીઆઇ કૈલાની ટીમ દ્વારા એક આરોપી લાલજી ઢોલાને સુરતથી પકડ્યા બાદ તેને પાંચ દિવસના રિમાન્ડ પર લીધો હતો.ત્યારે ગઇકાલે વધુ બે આરોપી ભુપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણને ગોવાથી પકડી પાડવામાં આવ્યા છે.અને તેને રાજકોટ લાવી રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે.
બનાવની વિગત મુજબ પોઇચા ખાતે છે તેવું સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાનું કહીં જમીન મકાનના ધંધાર્થી જસ્મીનભાઈ માઢક અને તેમના પાર્ટનરને વિશ્વાસમાં લઈ 3.40 કરોડની છેતરપિંડી કરનાર જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર રૂશીકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.અને આ છેતરપિંડીની તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી.આ મામલે તપાસ કરતાં પીઆઇ જે.એમ કૈલા અને તેમની ટીમને બાતમી મળતા લાલજી ઢોલાને સરથાણા પોલીસની મદદથી સુરતથી પકડ્યો હતો.અને તેના કોર્ટ દ્વારા પાંચ દવસના રિમાન્ડ મંજૂર કરતાં તેની પૂછતાછ શરૂ કરવામાં આવી હતી.તો બીજી બાજુ ગઇકાલે ટીમને વધુ એક મોટી સફળતા મળી છે.જેમાં પીપળજના ભુપેન્દ્ર શના પટેલ અને લિંબના વિજય ચૌહાણની ગોવાથી ધરપકડ કરી રાજકોટ લાવવામાં આવ્યા છે.અને બંનેના રિમાન્ડ મેળવવા તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવવાના છે.
ઉલ્લેખનીય છે કે,હાલ સુધીમાં પોલીસ દ્વારા ત્રણની ધરપકડ કરવામાં આવી છે.પંરતુ મુખ્ય આરોપી ચારેય સ્વામી હજુ પોલીસ પકડથી દૂર છે.જેથી સ્વામી સહીત ફરાર પાંચ આરોપીઓનું પગેરું મેળવવા પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની તે દિશામાં પૂછતાછ કરવામાં આવી રહી છે.