રાજકોટની મહિલા પાસેથી ડ્રગ્સ ખરીદીને જતાં જેતપુરના બે શખસો પકડાયા
પેટા : રૂરલ એસઓજીએ ગોંડલ પાસેથી 2.930 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે દબોચી રૂ.1.27 લખનો મુદામાલ કબજે કર્યો
રાજકોટની મહિલા ડ્રગ્સ પેડલર પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ખરીદીને જતાં જેતપુરના બે શખસોને ગોંડલ આશાપુરા ચોકડી પાસે બાતમીના આધારે રૂરલ એસઓજી શાખાએ પકડી પાડી 2.930 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી કુલ રૂ.1.27 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
રાજકોટ રૂરલ એસઓજી બ્રાન્ચના પીએસઆઈ બી.સી. મિયાત્રા સહિતનાઓએ બાતમીના આધારે ગોંડલ આશાપુરા ચોકડીએ ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન એક્ટીવા મોટરસાયકલ જીજે.03.એનઈ.2473 ઉપર ધીરજ ચંદ્રશેખરભાઈ સિંગ તેમજ સમીર સલીમભાઈ દલ (રહે બંને ગુજરાતીની વાડી ભાવિકનગર જેતપુર) નીકળતા ચેકિંગ કરતા તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 2.930 ગ્રામ કિંમત રૂપિયા 29,300 મળી આવતા બે મોબાઈલ, રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા 1,27,800નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.બનેની પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે,આરોપી ધીરજ ચંદ્રશેખર સિંગ સાડીના કારખાનામાં મજૂરી કરે છે. પોતે જ ડ્રગ્સનું સેવન કરે છે અનેરાજકોટની મહિલા પાસેથી ત્રીજી વખત ડ્રગ્સ લાવ્યો હોવાની કબૂલાત આપી છે.જયારે બીજો આરોપી સમીર દલ માત્ર ધીરજ સાથે ગયો હોવાનું રટણ કર્યું હતું.હાલ ગોંડલ સિટી પોલીસ મથકે ગુનો નોંધી રાજકોટની મહિલા ડ્રગ્સ પેડલરની શોધખોળ હાથ ધરી છે.