લોન કન્સલટન્ટની ઓફિસ-ઘરમાં ઘૂસી બે શખસોએ 81 હજારની લૂંટ ચલાવી
150 ફૂટ રિંગ રોડ પર મટુકી ચોક પાસેનો બનાવ : શેર બજારની રકમની ઉઘરાણીના મુદે ચાલતા મનદુખમાં બંનેએ ધમાલ મચાવી યુવકનું લેપટોપ અને પત્નીનો ફોન લૂંટ્યો
વાવડી રોડ પર આવેલા આસોપાલવ બિલ્ડિંગમાં એકાઉન્ટિંગ અને લોન કન્સલટન્સીની ઓફિસ ધરાવનાર યુવાનની ઓફિસે બે શખસોએ ધસી જઇ ઓફિસે સંચાલક હાજર ન હોય અન્ય અહીં આવેલા ગ્રાહકો સાથે માથાકૂટ કરી તેમણે કાતર ઝીંકી બે લેપટોપની લૂંટ ચલાવી હતી. બાદમાં યુવાનના ઘરે પહોંચી તેની પત્નીનો મોબાઈલ લૂંટી કુલ રૂ.૮૧,૦૦૦ ની મત્તાની લૂંટ ચલાવ્યા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.
માહિતી મુજબ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર માધવ ગેટ પાસે સુખસાગર સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા એકાઉન્ટિંગ અને લોન કન્સલ્ટન્સીનું કામ કરનાર પરાગ પ્રવીણભાઈ ધંધુકિયા(ઉ.વ ૩૭)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં સાગર રમેશભાઈ રાદડિયા અને એક અજાણ્યા શખસનું આપતા જણાવ્યું હતું કે, તેઓને મટુકી ચોક વાવડી રોડ પાસે આસોપાલવ બિલ્ડીંગમાં ઓફિસ આવેલી છે. સાંજના સમયે તેઓ કામ સબબ બહાર હોય દરમિયાન આરોપી સાગર અને એક અજાણ્યો શખસ ઓફિસે ધસી આવ્યા હતા અને અગાઉ શેર માર્કેટની જૂની પૈસાની ઉઘરાણી બાબતે ગાળો દેવા લાગ્યા હતા. બાદમાં આ શખસો ઉશ્કેરાઈ અહીં ઓફિસમાં હાજર તેમના કલાઇન્ટ અફઝલભાઈ અને વસીમભાઈ સાથે પણ ગાળાગાળી કરી તેમને કાતર ઝીંકી દીધી હતી.અને ૫૧,૦૦૦ ની કિંમતના બે લેપટોપની લૂંટ ચલાવી હતી.
ઓફિસે ધમાલ મચાવ્યા બાદ તેઓ ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને તેમની પત્નીને ગાળો આપી તેમની પાસેથી ૩૦,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. આમ આરોપીઓએ પૈસાની ઉઘરાણી મામલે ફરિયાદીની ઓફિસ અને ઘરે જઈ ગાળો આપી મારકુટ કરી કુલ રૂ.૮૧,૦૦૦ ની મત્તાની લૂંટ ચલાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સાગર તેની નજીકના જ વિસ્તાર સુખસાગર સોસાયટીમાં રહે છે અને તે ડબ્બા ટ્રેડિંગનું કામ કરે છે.જેમાં અગાઉ તેમની નીકળતી રકમ સાગરે ચુકવી ન હતી પરંતુ હાલ સાગર યુવાન પાસે શેરબજારના સોદા પેટે બે લાખ માંગતો હોય જેની પઠાણી ઉઘરાણી કરવા લૂંટ ચલાવ્યાનું ખૂલ્યું હતું.