બે ભ્રષ્ટ અધિકારી, એકનો પગાર દોઢ લાખ, બીજાનો ૮૦ હજાર: બન્ને પાસેથી મળ્યો ૧.૧૧ કરોડનો દલ્લો’
ત્રણ લાખની લાંચ લેતાં પકડાયેલા પાલનપુરના નાયબ કલેક્ટર અંકિતા ઓઝાએ લોકરમાં ૭૪.૮૯ લાખના સોનાના બિસ્કિટ-લગડી સંગ્રહી રાખ્યા'તા પેટા: ધ્રાંગધ્રા કાર્યપાલક ઈજનેર કચેરીના સીનિયર ક્લાર્ક રાજેશ દેવમુરારીનું ૩૬.૩૯ લાખની
બેનામી’ રોકડ પકડી પાડતું એસીબી
રાજકોટ જ નહીં બલ્કે રાજ્યના ભ્રષ્ટ સરકારી અધિકારીઓ ઉપર કાળ' બનીને ત્રાટકતાં એન્ટી કરપ્શન બ્યુરોએ તાજેતરના સમયમાં બે અધિકારીઓને લાંચ લેતાં પકડ્યા હતા. જે ભ્રષ્ટ અધિકારીને પકડ્યા તેમાંથી એકનો પગાર દોઢ લાખ તો બીજાનો ૮૦ હજાર આસપાસ હોવાનું સામે આવ્યું છે. આટલો પગાર હોવા છતાં લાંચ લેતાં પકડાયેલા આ બન્ને અધિકારીની મિલકતો અંગેની તપાસ કરવામાં આવતાં ૧.૧૧ કરોડનો બેનામી
દલ્લો’ મળી આવ્યાનો ઘટસ્ફોટ થયો હતો.
એન્ટી કરપ્શન બ્યુરોના વડા પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.એચ.ગોહિલ સહિતની ટીમે થોડા સમય પહેલાં બનાસકાંઠાના પાલનગુરમાં સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકનની કચેરીમાં નાયબ કલેક્ટર વર્ગ-૧ તરીકે ફરજ બજાવતાં અંકિતા બાબુલાલ ઓઝાને ત્રણ લાખની લાંચ લેતાં પકડ્યા હતા. આ અંગેનો ગુનો દાખલ થયા બાદ અંકિતાની મિલકતો અંગે તપાસ કરવામાં આવતાં તેમણે મહેસાણા ખાતે પોતાની બેન્કના લોકરમાં ૫૬.૬૩ લાખની કિંમતના સોનાના ૧૦ બિસ્કીટ તેમજ ૧૫.૨૬ લાખની સોનાની સાત લગડી ઉપરાંત સોના-ચાંદીના દાગીના મળી ૭૪,૮૯,૮૩૯ રૂપિયાની ઝવેરાત ગેરકાયદેસર રીતે વસાવી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. આ તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ જ રીતે ધ્રાંગધ્રા કાર્યપાલક ઈજનેરની કચેરીમાં સીનિયર ક્લાર્ક (ઈન્ચાર્જ નાયબ હિસાબનીશ) વર્ગ-૩ રાજેશ હરકીશનભાઈ દેવમુરારી (ઉ.વ.૬૧)ની મિલકતોની તપાસ કરવામાં આવતાં તેમણે ભ્રષ્ટાચાર આચરીને ૩૬,૩૯,૬૨૪ રૂપિયાનું બેનામી રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ પ્રમાણે જોવા જઈએ તો તેમણે પોતાની આવક કરતાં ૬૫.૩૩% વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું ખુલતાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.