કરોડોના વ્યાજના વિષચક્રમાં ફસાતા કારખાનેદારે કર્યો આપઘાતનો પ્રયાસ : 6 સામે ગુનો નોંધાયો
સોખડા ગામે કારખાનું ધરાવતાં પ્રૌઢે ધંધો વધારવા છ વ્યાજખોર પાસેથી કરોડો રૂપિયા વ્યાજે લીધાં : કોરોનાકાળમાં મંદી આવતાં વ્યાજ ચૂકવી ન શકતા વ્યાજખોરોએ પરિવારને મારી નાખવાની ધમકીઓ આપી તો બેન્કે અઢી કરોડનું કારખાનું સસ્તામાં હરાજી કરી નાખ્યું
શહેરમાં વ્યાજખોરો ફરી બેફામ બન્યા છે. સોખડા ગામે ગેસ પ્લાન્ટની પાછળ શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનું ધરાવતાં કારખાનેદારને ધંધો વિકસાવવા છ વ્યાજખોર પાસેથી કરોડો રૂપિયા વ્યાજે લેતા વ્યાજના વિષચક્રમાં ફસાયા હતા.અને કોરોનાકાળમાં મંદી આવતાં વ્યાજ ચૂકવી ન શકતા વ્યાજખોરોએ ધમકીઓ આપી વ્યાજની ઉઘરાણી કરી હતી.જ્યારે બેંક દ્વારા કારખાના પર લોન ચાલતી હોવાથી તેને કારખાનું સસ્તામાં હરાજી કરી નાખતા કારખાનેદારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેથી આ મામલે કુવાડવા પોલીસે છ સામે ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ રાજકોટના સોખડા ગામે ગેસ પ્લાન્ટની પાછળ શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ પાસે રહેતાં રમેશભાઈ ભીમજીભાઈ ડાભી (ઉ.વ. 42)એ કુવાડવા પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સોખડાના વિજય વશરામ રાઠોડ, સંજય રમેશ રાઠોડ, મહેશ કેશુ ગોરીયા,રાજકોટ ઉદયનગરમાં રહેતા પ્રતિપાલસિંહ ગિરિરાજસિંહ જાડેજા અને છત્રપાલસિંહ જાડેજાનું નામ આપતાં જણાવ્યું હતું કે,તેઓ ઇમીટેશનનુ કામ કરે છે. તેમજ સોખડા ગામે તેમની માલીકીની જમીનમાં કૈલાશ વેક્સ એટેન્ડ મેન્યુફેકચર નામથી ઇમીટેશન કામનુ બંગડીના પાઈપ તથા વૈકસ (મીણ) બનાવવાનુ કારખાનુ ચલાવતાં હતાં, જે કારખાનુ હાલ બંધ છે.વર્ષ 2017 માં સોખડા ગામે શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં પ્લોટ લીધો હતો.જેમાં બાંધકામનો રૂ.1.90 કરોડનો ખર્ચ થયો હોવાથી પૈસાની જરૂર પડતા બેંકમાંથી રૂ. 99 લાખની લોન લીધી હતી અને બે વર્ષ સુધી બાંધકામમાં ચાલ્યું હતું.બીજા કારખાના માટે રૂ.1.77 કરોડની લોન બેંકમાં મુકેલ પણ બાંધકામ પુરૂ થયેલ ન હોય જેથી સોખડા ગામના વિજય વશરામ રાઠોડ અને તેના ભત્રીજા સંજય રમેશ રાઠોડ પાસેથી એક કરોડ દર મહીને બે ટકા લેખે વ્યાજે લીધા હતા. બાદ વધુ પૈસાની જરૂર પડતા વિજયને વાત કરતા તેણે રૂ.40 લાખ બે ટકા વ્યાજે મહેશ ગોરીયા પાસેથી અપાવેલ હતા.
તેની સામે બંનેને કુલ રૂ.54 લાખ રોકડા અને મહેશ ગોરીયાને 22 મહીના સુધીમાં રૂ.80 હજાર લેખે કુલ રૂ.17.60 લાખ આપી દીધેલ હતાં. કોરોનાકાળમાં ધંધામાં મંદી આવી જતા તેઓને વ્યાજ આપી ન શકતા તેઓ પરિવારને મારી નાખવાની ધમકીઓ આપતા હતા.જેથી વર્ષ 2023 માં વેપારીએ છત્રપાલસિંહ જાડેજાને પૈસાની જરૂર હોય વ્યાજે સેટીંગ કરાવી વાત કરતાં તેણે પ્રતિપાલસિંહ જાડેજા સાથે મુલાકાત કરાવી હતી.અને તેને રૂ.60 લાખ ત્રણ ટકા વ્યાજે કરાવી આપેલ હતાં. બાદમાં મામલતદાર ઓફીસે બોલાવી વેપારીની જાણ બહાર કારખાનાનું સાટાખત કરાવી લીધું હતું. કારખાનેદાર વ્યાજખોર છત્રપાલ અને પ્રતિપાલને વ્યાજ ન ચૂકવી શકતા તેઓ પણ રૂ.1.40 કરોડની ઉઘરાણી કરી ધમકીઓ આપવા લાગ્યા હતા.વર્ષ 2024 ના માર્ચ મહીનામાં પ્લોટની બેન્ક દ્રારા હરાજી કરાતા હરાજીમાં પ્લોટ વીજયએ એક કરોડ છ લાખમાં ખરીદ લીધો હતો.પંરતુ પ્લોટની બાંધકામ સહીત રૂ.2.50 કરોડ જેટલાની પ્રોપર્ટી થતી હોય અને બેન્ક વાળાઓએ સસ્તામાં પ્લોટની હરાજી કરી નાખી હતી.હરાજી થયા બાદ પણ બેન્ક વાળા લોનની ઉઘરાણી કરતા હતા.અને વ્યાજખોરો પણ પૈસાની ઉઘરાણી કરતા હતા.આમ તેમને વ્યાજની ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.અને બનાવ અંગે પોલીસ કમિશનરને અરજી કરતા કુવાડવા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.