શાપરમાં યુવતીને ફોન કરવા મુદે કાકા-ભત્રીજાના હાથપગ ભાગી નાખ્યા
યુવતીના પરિવારે કાકા સામે છેડતી કર્યાની વળતી ફરિયાદ નોંધાવી
શાપર-વેરાવળમાં યુવતિને ફોન કરી પજવણી કરવા મુદે યુવતિના પરિવારજનો દ્વારા કાકા-ભત્રીજા પર ધોકા-પાઈપ જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે યુવતિએ પણ કાકા સામે છેડતી કરતો હોવાની વળતી ફરિયાદ નોંધાવી હતી.
માહિતી મુજબ શાપર-વેરાવળ સર્વોદય સોસાયટીમાં રહેતા કલ્પરાજસિંહ મનહરસિંહ જાડેજા ઉ.વ.23એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોવિંદનગરમાં રહેતા ડાયાભાઈ તેના પુત્ર સહિતના ત્રણ શખ્સોના નામ આપતા જણાવ્યું હતું કે,તેના કાકા વિરમદેવસિંહ અને ભાઈ શક્તિસિંહ ગોવિંદનગરમાં આવેલ પોતાના મંડપ સર્વિસના ગોડાઉન પર બેઠા હતા ત્યારે આરોપીઓ લોખંડના પાઈપ સાથે ધસી આવી કાકા અને બે ભત્રીજા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામાપક્ષે યુવતિએ વિરમદેવસિંહ જાડેજા સામે છેલ્લા એક માસથી ફોન કરી પજવણી કરતો હોવાનું અને અવાર નવાર ઘર પાસેથી ઈકો કાર લઈ હોર્ન વગાડતો હોય આ બાબતે ઠપકો આપવા જતાં કાકા અને બે ભત્રીજાઓએ હુમલો કરી ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.