જેતપુરમાં ગાંઠિયાના ધંધાર્થી પર ત્રણ શખ્સોનો હુમલો
જૂના ઝગડાનું મનદુખ રાખી ધોકા-પાઇપ વડે માર માર્યો
જેતપુરના બોરડી સમઢીયાળા ગામમાં ગાંઠિયાના ધંધાર્થી પર જૂના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ધોકા-પાઇપ વડે હિચકારો હુમલો કર્યો હતો. જે મામલે પોલીસે કાર્યવાહી કરી છે.
વિગત મુજબ જેતપુરના ખોડપરા રૂપાવાડીમાં રહેતા પરેશભાઈ બાવચંદભાઈ કાપડીયા (ઉ.વ.51)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં મહેન્દ્ર રામકુભાઈ દરબાર, મહેન્દ્ર ઉર્ફે મેંદો, અને અજાણ્યા શખ્સનું નામ આપતા જણાવ્યું હતું કે, પોતે બોરડી સમઢીયાળા ગામે હીંગળાજ ગાંઠિયા નામની દુકાન ચલાવે છે.ગત તા.07/07 ના રાત્રીના દસેક વાગ્યે તેમનાં ઓળખીતા રવિભાઈ તેના પરિવાર સાથે તેમની દુકાને નાસ્તો કરવા આવ્યા હતા. ત્યારે આરોપી મહેંદ્ર રામકુભાઇ તથા મહેંદ્ર ઉર્ફે મેંદો બંન્ને દુકાન ઉપર તેની કાર આવવા દેતા રવિભાઇ સાથે બોલાચાલી થઈ હતી.જેમા ફરિયાદી વચ્ચે પડ્યા હતા. અને તે વાતનો ખાર રાખી આરોપીઓ એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં ધોકા-પાઇપ સાથે ઘસી આવ્યા હતા. અને માર માર્યો હતો. જેથી વેપારીને ઇજા પહોંચતા સારવારમાં ખસેડયા હતા. અને આ મામલે જેતપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.