રાજકોટના રાઠોડ પરિવારના ત્રણ સભ્યોની મુંબઈ પાસે હત્યા
પાલઘર જિલ્લાના વાડાના નેહરોલીની ઘટના
પતિ-પત્ની અને પુત્રીની હત્યા કરીને ઘર બહારથી બંધ કરી દેવામાં આવ્યું
રાજકોટથી દીકરાએ આવીને તપાસ કરી તો ઘરમાં ત્રણેયના મૃતદેહ મળ્યા
મુંબઈ પાસેના પાલઘર જિલ્લાના વાડા તાલુકાના નેહરોલી ગામના એક બંધ ઘરમાંથી બે મહિલા અને એક પુરુષના મૃતદેહ મળી આવવાની અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. આ મૃતદેહ મૂળ રાજકોટના રાઠોડ પરિવારના સભ્યોના હતા અને કોઈએ અગમ્ય કારણોસર તેમની હત્યા કરીને ઘરને બહારથી બંધ કરી દીધું હતું. પોલીસ પહોંચી ત્યારે આ ત્રણના મૃતદેહ હાડપિંજર જેવા બની ગયા હતા. પોલીસે હાલમાં અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
આ ઘરમાંથી ૭૫ વર્ષના મુકુંદ રાઠોડ, તેમનાં ૭૩ વર્ષનાં પત્ની કંચન રાઠોડ અને ૫૧ વર્ષની પુત્રી સંગીતા રાઠોડના મૃતદેહ પતરાની પેટી અને પૅસેજમાં પડેલા જોવા મળ્યા હતા. ૧૭ ઑગસ્ટથી ત્રણેય ઘરમાંથી બહાર નહોતાં નીકળ્યાં અને તેમનો સંપર્ક નહોતો થઈ શકતો એટલે રાજકોટમાં રહેતો પુત્ર પપ્પાના ઘરે પહોંચ્યો હતો. જોકે દરવાજા પર તાળું મારેલું હતું એટલે પપ્પા-મમ્મી અને બહેન આસપાસમાં ક્યાંક ગયાં હશે એમ માનીને પાડોશીઓની પૂછપરછ કરી હતી. કોઈએ તેમને છેલ્લા કેટલાક દિવસથી જોયાં ન હોવાનું કહ્યું હતું. ઘરમાંથી દુર્ગંધ આવતી હતી એટલે તેણે વાડા પોલીસને જાણ કરતાં એ ટીમ આવી પહોંચી હતી. પોલીસે ઘર ખોલતાં પૅસેજમાં મુકુંદ રાઠોડનો મૃતદેહ મળ્યો હતો. ઘરમાં તપાસ કરતાં ટિનની બે પેટીમાંથી કંચન રાઠોડ અને સંગીતા રાઠોડના મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળ્યા હતા. આસપાસ લોહીના ડાઘ જોવા મળ્યા છે એટલે કોઈકે ત્રણેયની હત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
પાલઘરના વાડા પોલીસના ઇન્ચાર્જ દત્તાત્રય કિન્દ્રેએ કહ્યું હતું કે ‘મૂળ રાજકોટનો રાઠોડ પરિવાર નેહરોલી ગામમાં વીસેક વર્ષથી રહે છે. મુકુંદ રાઠોડ અને તેમનાં પત્ની કંચન અને પુત્રી સંગીતા તેમનું આ ઘર વેચીને તેમના રાજકોટમાં રહેતા પુત્ર પાસે જવાના હતા. લોકો ઘર જોવા માટે આવતા પણ હતા. જોકે ૧૭ ઑગસ્ટથી ઘરના દરવાજાને તાળું મારેલું હતું એટલે તેઓ બહારગામ ગયાં હશે એવું પાડોશીઓએ માની લીધું હતું. બપોરે મુકુંદ રાઠોડનો રાજકોટમાં રહેતો પુત્ર અહીં આવ્યો હતો. ઘરમાં તાળું મારેલું હતું, પણ એમાંથી દુર્ગંધ આવતી હતી એ જોઈને તેણે પોલીસને જાણ કરી હતી. અમારી ટીમે ઘટનાસ્થળે જઈને તપાસ કરતાં ઘરમાંથી કોહવાઈ ગયેલા ત્રણ મૃતદેહ જોવા મળ્યા હતા. સામાન્ય સ્થિતિનો પરિવાર છે એટલે કોઈએ લૂંટના ઇરાદે આ હત્યા કરવાની શક્યતા દેખાતી નથી. પોલીસે ઘરનું પંચનામું કરીને આસપાસ અને રાઠોડ પરિવારના લોકોની પૂછપરછ હાથ ધરી છે. મુકુંદ રાઠોડને ત્રણ પુત્રો છે. એમાંથી એકનું મૃત્યુ થયું છે, જ્યારે બીજો વસઈમાં અને ત્રીજો પુત્ર રાજકોટમાં રહે છે.’