જસદણના વેપારી સાથે મહેસાણાના ત્રણ ગઠિયાઓએ કરી 9.71 લાખની ઠગાઇ
પેટા : વેપારી પાસે 21 હજાર કિલો ચણાનો જથ્થો ખરીદી પૈસાનું બુચ મારી દેતા પોલીસે ગુનો નોંધ્યો
જસદણમાં શક્તિ એગ્રી એક્સપોર્ટના નામે ધંધો કરતાં વેપારી સાથે મહેસાણા બ્રોકર અને બે અલગ અલગ પેઢીના માલિકે 21 હજાર કિલો ચણાનો જથ્થો ખરીદી બાદમાં ફક્ત રૂ.3 લાખ આપી રૂ.9.71 લાખની છેતરપિંડી આચરતાં જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગતો મુજબ જસદણમાં ગંગાભુવન ખોડિયારનગરની બાજુમાં રહેતાં નરેશભાઇ ગોરધનભાઈ પોલરા (ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયેશ તિરૂપતિ બ્રોકર મહેસાણા, શ્રી મારૂતિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સિધ્ધપુર અને નીલકંઠ એન્ટરપ્રાઈઝ કરજણનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ જસદણ આટકોટ રોડ પર જસદણ ધ્રુવ કોટનની બાજુમાં શક્તિ એગ્રી એક્સપોર્ટ એલ.એલ.પી.નામે ધંધો કરે છે. જેમાં અનાજ કઠોળની જણશી ખેડુતો/યાર્ડમાથી ખરીદી કરી માલ કલીનીંગ કરી શોર્ટેક્ષ કરી વેચાણ કરવામાં આવે છે. ગત તા.25/03 ના તેમની સાથે કામ કરતા રવિભાઈ છાયાણી ખાનપર રોડ ખાતે ઓફીસે હોય ત્યારે તેઓને તીરૂપતી બ્રોકર મહેસાણા વાળા જયેશભાઈનો ફોન આવ્યો હતો અને ચણાની ખરીદી બાબતે વાત કરી હતી. અને આ માલ શ્રી મારૂતી એગ્રો ઇન્ડ. સીધ્ધપુરને આપવાનો છે તેવું કહ્યું હતું. જેથી મારૂતી એગ્રો ઇન્ડસ્ટ્રીઝનો 10,020 કિલોનો પર્ચસ ઓર્ડર મોકલ્યો હતો. અને માલ પણ મોકલ્યો હતો. તેમજ આ માલનું પેમેન્ટ બીજા દિવસે આપી દેશે તેવું જણાવ્યું હતું.
ઉપરાંત શ્રી નીલકંઠ એન્ટરપ્રાઇઝ નામની પેઢીને 10 હજાર કિલો ચણાનો પર્ચેજ ઓર્ડર મોકલી માલ આપ્યો હતો. જેમાંથી બંને પેઢીઓ દ્વારા માલના માત્ર 3 લાખ ચૂકવી દેવામાં આવ્યા હતા. અને બાકીના 9.71 લાખના પેમેન્ટ માટે અવાર નવાર ફોન કરી ફરિયાદીએ ઉઘરાણી કરી હતી. પરંતુ બ્રોકર અને પેઢીનો ફોન બંધ આવતો હોવાથી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જસદણ પોલીસે રૂ.9.71 લાખની છેતરપિંડી કર્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.