ધોરાજીના ખેડૂતના 160 મણ ઘઉની ચોરી : ટોળકીનો એક સભ્ય પકડાયો
રખોપું કરવા ગયેલ ખેડૂતને ઊંઘતો રાખી ટોળકી બોલેરો ભરી ઘઉ ચોરી ગઈ
રાજકોટ જિલ્લામાં બેફામ બનેલા તસ્કરોને કારણે હવે ખેડૂતોનું અનાજ પણ સલામત રહ્યું નથી. ધોરાજી પંથકમાં જામકંડોરણા હાઇવે પર ખેડૂતને સૂતો રાખી તસ્કરો 160 મણ ઘઉં બોલેરોમાં ચોરી કરી જતાં આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો અને બોલેરો ચાલકને સકંજામાં લઈ તપાસ કરતાં આ ચોરીમાં અન્ય છ શખસોની સંડોવણી ખૂલી છે જેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
ધોરાજીમાં જેતપુર રોડ પર સરદાર ચોક પાસે સત્યનારાયણ પાર્કમાં રહેતા હિરેનભાઈ નારદભાઈ ઠુંમર નામના ખેડૂતે આ 160 મણ ઘઉની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની રોડના કાંઠે આવેલી 7 વીઘા ખેતીની જમીન આવેલી છે. બાજુમાં જ કુટુંબીબાઈ મેહુલભાઈ ઠુંમરની પણ જમીન આવેલી છે. હિરેનભાઈએ જમીનમાં સાત વીઘામાં ઘઉં વાવ્યા હોય છે જેમાં ૧૬૦ મણ જેટલા ઘઉં વાઢયા બાદ તે ઢગલો ખેતરમાં રાખ્યો હતો અને તેનું ધ્યાન રાખવા રાત્રે ખેતરે જતાં હતા. દરમિયાન ગત તા 20/03ના રોજ રખોપુ કરવા માટે ગયા હતા ત્યારે ઊંઘ આવવા લાગતા બાજુમાં આવેલા મેહુલભાઈની વાડીએ જઈ સુઈ ગયા હતા. ત્યારે રૂ.22500 ની કિમતના 160 મણ ઘઉ ચોરી થઈ ગયા હતા. તપાસ કરતાં વાહનના ટાયરના નિશાન જોવા મળ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતાં બોલેરોમાં આવેલા છ જેટલા શખસોની સંડોવણી ખૂલી હતી જેના આધારે વડીયા, કુકાવાવના માયાપાદરના જીતેશ કિશનભાઇ વાઘેલિયાની ધરપકડ કરી અન્યોનો શોધખોળ શરૂ કરી છે.