- જેતપુર પાસેનો બનાવ : નાસ્તો કરવા બંને મિત્રો જતાં હતા ત્યારે અકસ્માત થયો’તો : યુવકે વાડીએ ફાંસો ખાઈ જીવ દીધો
વોઇસ ઓફ ડે રાજકોટ
જેતપુર પંથકમાંબે દિવસ પૂર્વે બાઇક પર જતાં બે મિત્રોનું અકસ્માત થયું હતું. જેમાં એકનું અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માતમાં યુવકે તેના મિત્રનું પોતાના કારણે મોત થયાની ચિંતામાંવાડીએ જઈ વૃક્ષમાં નળી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
મળતી વિગત મુજબ, સોમવાર સવારે જેતપુર નજીક પીપળા અને કેરાળી વચ્ચેના રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રૌઢનો મૃતદેહ રોડની સાઈડ પરથી મળ્યો હતો. ત્યાં બે જોડી ચપ્પલ પણ પડ્યા હતા. બનાવની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ દોડી ગઈ હતી. મૃતકની ઓળખ કરવા તજવીજ કરતા મૃતકનું નામ પ્રભાત છગનભાઈ ઝાલા (ઉં.વ.આ.50) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસની પૂછપરછમાં ખુલ્યું હતું કે, પ્રભાત કેરાળી ખાતે ખેત મજૂરી કરતા તેના મિત્ર રાયલાભાઈ ઉર્ફે રવજી તેરસિંગ કલેશ(રાઠવા)(ઉં. વ. આ. 40) સાથે વહેલી સવારે નાસ્તો કરવા નજીકની હોટલમાં ગયો હતો.ત્યાંથી પરત આવતી વખતે આ અકસ્માત થયો હતો. જેથી રાયલાભાઈ ઉર્ફે રવજીની શોધખોળ કરી પણ તે અકસ્માત સ્થળ પાસેથી મળી આવેલ નહીં.બાદ તપાસમાં રવજીએ કેરાળી ખાતેની વાડીએ ગળાફાંસો ખાઈ હોવાનું ખૂલ્યું હતું.
આ મામલે તપાસ અને પીએમ બાદ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું હતું કે, પ્રભાતને બાઈક ચલાવતા આવડતું નહોતું. જેથી અકસ્માત વખતે રાયલાભાઈ ઉર્ફે રવજીભાઈ બાઇક ચલાવતા હતા.અકસ્માત થયો તેમાં પ્રભાત મોતને ભેટ્યો. જેથી રાયલાભાઈ ઉર્ફે રવજીને થયું કે તેના કારણે જ તેના મિત્રનું મોત થયું છે. જેનું લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું તારણ છે.