યુનિવર્સિટી રોડ પર બે મિત્રો ઉપર હુમલો કરી ત્રિપુટીએ લૂંટ ચલાવી
હુમલાખોર પટેલ શખ્સ સામે એક જ દિવસમાં બે ગુના નોંધાયા
યુનિવર્સિટી રોડ પર નકલંક હોટેલની સામે જુની અદાવતનો ખાર રાખી શિવશક્તિ કોલોનીના યુવાન અને સાથેના મિત્રને ત્રણ શખ્સોએ કાળા રંગની થાર કારમાં આવી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી મરચાનો સ્પ્રે છાંટી રૂા. ૨૨૦૦ લૂંટ ચલાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
યુનિવર્સિટી પોલીસે શિવશક્તિ કોલોનીમાં બ્લોક નં. ૧૪રમાં રહેતાં પ્રધ્યુમનસિંહ ગુલાબસિંહ જાડેજા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ઉમંગ ગોવિંદભાઇ પટેલ, અમન નેપાળી અને મિલન ખખ્ખર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રદ્યુમનસિંહે જણાવ્યું હતું કે તેના મિત્ર નરેન્દ્રસિંહ રાણા સાથે યુનિવર્સિટી રોડ પરની ચાની હોટલે સ્કોર્પિયો ગાડીમાં બેસી વાતો કરતો હતો. થોડીવાર બાદ હું ઘરે જવા નીકળ્યો હતો.
નજીકમાં દેકારો થતો જોવા મળતાં ત્યાં જઈ જોયું તો મિત્ર નરેન્દ્રસિંહ રાણાની ગાડી પાસે કાળા કલરની થાર ગાડી ઉભી હતી. એ થારમાં મારા પાડોશમાં રહેતો ઉમંગ ગોવિંદભાઈ પટેલ, તેનો મિત્ર અમન નેપાળી અને મિલન ખખ્ખર હતાં અને તે નરેન્દ્રસિંહ સાથે કોઈ જૂની અદાવતને કારણે બોલાચાલી કરતા હતા. પ્રધ્યુમનસિંહ વચ્ચે પડી મિત્રને છોડાવવા જતાં ઉમંગે તેના ખીસ્સામાંથી મરચાનો સ્પ્રે કાઢી પ્રધ્યુમનસિંહ અને નરેન્દ્રસિંહની આંખમાં છાંટી શર્ટના ખિસ્સામાંથી ૨૨૦૦ રૂપિયા લૂંટી મારકૂટ શરૂ કરી હતી.
ઉમંગ પટેલ સામે વધુ એક મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. મવડીના પાળ ગામની શિવ ટાઉનશિપમાં રહેતા અને ડીસ કનેકશનનું કામ કરતાં હર્ષ હિંમતસિંહ ડોડીયા (ઉ.વ.૨૬) ઘરે ચાલીને જતો હતો તે વખતે ઉમંગ મળ્યો હતો અને તું અહીંથી કેમ નીકળ્યો, મારી સામે શું જોવે છે તેમ કહી ઝઘડો શરૂ કરી, ગાળો ભાંડી, પાઈપના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. યુનિવર્સિટી પોલીસમાં ઉમંગ પટેલ વિરૂધ્ધ બે ફરિયાદ નોંધાઈ હતી. તે અગાઉ પણ કેટલાક ગુના નોંધાઇ ચુક્યા છે. હવે વધુ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે.