ટ્રેપ દારૂની હતી, મળ્યો ગાંજો !
માલિયાસણ ચોકડી બ્રિજ નીચે ઝોન-૧ એલસીબી દારૂ ભરેલું વાહન આવી રહ્યાની વાર જોઈ રહી’તી જે ન આવતાં પરત ફરવાની તૈયારી હતી’ને ગાંજો ભરેલી કાર પકડાઈ
મોટી સંખ્યામાં પોલીસને જોતાં ચાલકે કાર ભગાવતાં ડિવાઈડર પર ચડી ગઈ અને પોલીસને નશાનો જથ્થાબંધ સામાન મળ્યો
રાજકોટમાં દારૂ-જુગાર, ચરસ-ગાંજો-ડ્રગ્સ સહિતના દૂષણને ડામવા માટે પીસીબી, ડીસીબી, એસઓજી, એલસીબી સહિતની મહત્ત્વપૂર્ણ બ્રાન્ચોએ કમર કસી લઈને એક બાદ એક રેડ કરવાનું શરૂ કરતા ગુનેગારોમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ફફડાટ દેખાઈ રહ્યો છે. આવી જ વધુ એક રેડ ઝોન-૧ એલસીબીની ટીમે માલિયાસણ પાસે કરી ૩.૮૯૬ કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે પોલીસને માલિયાસણ પાસે દારૂ ભરેલું વાહન આવી રહ્યાની બાતમી મળી હતી જેના આધારે ટે્રપ ગોઠવાઈ હતી પરંતુ દારૂની જગ્યાએ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
ઝોન-૧ એલસીબી પીએસઆઈ બી.વી.બોરીસાગર, એએસઆઈ ભરતભાઈ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ વીજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ ઝાલા, જીતુભાઈ ઝાલા, મનરૂપગીરી ગોસ્વામી સહિતની ટીમે માલિયાસણ ચોકડી બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. ટીમને બાતમી મળી હતી કે દારૂ ભરેલું વાહન અહીંથી પસાર થવાનું છે. પોલીસે લાંબા સમય સુધી રાહ જોયા બાદ પરત ફરવાની તૈયારી જ કરી રહી હતી બરાબર ત્યારે સુરતથી ગાંજો ભરીને કારમાં રાજકોટ આવી રહેલા રાહિલ અમીનભાઈ મીનાપરા (ઉ.વ.૨૧, રહે.દેવપરા) અને અલીઅહેમદ હનીફભાઈ નકાણી (ઉ.વ.૨૩, રહે.સાગરનગર) ત્યાંથી પસાર થતાં હોય મોટી સંખ્યામાં પોલીસને જોઈ ગભરાઈ જતાં રાહિલે જીજે૩એનપી-૦૦૬૫ નંબરની સ્વિફટ કાર પૂરપાટ ઝડપે ભગાવતાં તે ડિવાઈડર ઉપર ચડી જવા પામી હતી.
અકસ્માતની જાણ થતાં જ એલસીબી ટીમ કાર પાસે દોડી ગઈ હતી અને કારની તલાશી લેતાં તેમાંથી ૩.૮૯૬ કિલો ગાંજો મળી આવતાં બન્નેની ધરપકડ કરી કાર, ગાંજો, રોકડ સહિત ૫,૦૧,૧૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાંજા સપ્લાયના આ નેટવર્કમાં ફૈઝાન જાહિદભાઈ ડેલા અને અદનાન ઘાડાના પણ નામ ખુલતાં તેમને પકડવા તજવીજ કરાઈ છે.
મીરાંદાતાર જવાનું બ્હાનું કાઢીને સેલ્ફ ડ્રાઈવિંગ પર કાર મેળવી સુરતથી ખેપ મારી’તી
પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે રાહિલે ૩૦,૦૦૦ અને અલીઅહેમદે ૨૦,૦૦૦ રૂપિયા કાઢીને સુરતના એક વિસ્તારમાં રેલવે પાટા છે ત્યાંથી ઓરિસ્સાના રાકેશ નામના શખ્સ પાસેથી ગાંજાની ખરીદી કરી હતી. જો કે સુરત જવા માટે તેમણે રાજકોટનો એક શખ્સ કે જે સેલ્ફ ડ્રાઈવિંગ પર કાર ભાડે આપતો હોય તેની પાસેથી મીરાંદાતાર જવાનું બ્હાનું કાઢીને કાર મેળવી લીધી હતી. આ પછી સુરત પહોંચીને ત્યાંથી ગાંજો ભરીને લાવ્યા હતા.