‘અબ બાદશાહ કે સાથ બેગમ ભી નાચેગી’ના સ્ટેટસે હત્યા કરાવી !
૧૭ વર્ષના સગીરે સ્ટેટસ મુક્યું'ને કૌટુંબિક કાકાને પસંદ ન પડતાં ડખ્ખો થયા બાદ ભત્રીજાએ પતાવી દીધાં: છ મહિના પહેલાં પણ સ્ટેટસ મુકવા બાબતે ડખ્ખો થયો હતો
સાવ સામાન્ય કહી શકાય તેવી બાબતે પણ હવે હત્યા થવા લાગી હોય લોકોમાં ગજબનો ભય જોવા મળી રહ્યો છે. આવી જ એક ઘટના રાજકોટની ભાગોળે ત્રંબાના વડાળી ગામે બનવા પામી હતી જ્યાં કૌટુંબિક ભત્રીજાએ પોતાના મોબાઈલ ઉપર
અબ બાદશાહ કે સાથ બેગમ ભી નાચેગી’નું સ્ટેટસ મુકતાં કાકાને આ વાત પસંદ પડી ન્હોતી જેના કારણે બન્ને બાખડી પડ્યા હતા અને આખરે સગીર ભત્રીજાએ કાકાને છરીના બે ઘા મારી પતાવી દીધા હતા. હત્યા કર્યા બાદ સગીર આંબેડકરનગરમાં છુપાઈ ગયો હોય ક્રાઈમ બ્રાન્ચે તેને પકડીને આજીડેમ પોલીસ મથકને સોંપ્યો હતો.
વડાળી ગામે રહેતો ભરત નાગજીભાઈ મુછડીયા (ઉ.વ.૩૨) રવિવારે રાત્રે ૮:૩૦ વાગ્યે ઘર પાસે આવેલી પાનની કેબિન પર હતો ત્યારે તેનો કૌટુંબિક ભત્રીજો ત્યાં આવ્યો હતો. ભત્રીજાએ મોબાઈલ ઉપર સ્ટેટસ મુક્યું હોય જે બાબતે કાકા-ભત્રીજા વચ્ચે માથાકૂટ થઈ હતી. આ પછી વાત વણસી જતાં ૧૭ વર્ષીય ભત્રીજાએ પોતાની પાસે રહેલી છરી કાઢીને ભરતને એક ઘા ડાબા પડખામાં અને એક ઘા કપાળ ઉપર ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
હત્યાનો બનાવ બનતાં જ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમે આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ૮૦ ફૂટ રોડ પર આંબેડકરનગર પાસેથી ૧૭ વર્ષના હત્યારાની ધરપકડ કરી છરી સહિતનો મુદ્દામાલ કબજે કરવા તજવીજ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે છ મહિના પહેલાં પણ કાકા-ભત્રીજા વચ્ચે સ્ટેટસ મુકવા બાબતે માથાકૂટ થઈ હતી પરંતુ ત્યારે સમાધાન થઈ ગયું હતું.