પતિ ઉપર પોલીસ નજર રાખતી હતી એટલે પત્નીએ ગાંજાનો ધંધો શરૂ કર્યો
ઉપલેટામાં એક લાખના ગાંજા સાથે બે મહિલા પેડલર પકડાઈ : ધોરાજીથી લાવ્યાની કબૂલાત
રાજકોટ શહેરમાં પોલીસે નશાના સપ્લાયરો સામે લાલ આંખ કરતાં હવે પેડલરોએ જિલ્લામાં માંજા મૂકી છે. જેમાં ઉપલેટામાં ગાંજાનો જથ્થો લાવી છુટક વેચાણ કરતી બે મહિલાઓની પોલીસે ધરપકડ કરી એક લાખનો એક કિલો ગાંજો કબ્જે કરી પુછપરછ કરતા ધોરાજીથી એક્ટિવામાં નશીલા પદાર્થમાં જથ્થો લઈ આવવાની કબુલાત આપી છે.જેથી પોલીસે સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે.
માહિતી મુજબ ઉપલેટામાં ગાંજાનો જથ્થાનું વેચાણ થતું હોવાનું એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી જેમાં ધોરાજી રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં એક્ટિવામાં નિકળેલી નઝમાબેન ઉર્ફે રૂક્સાર ઉર્ફે ઘુઘી જમીરભાઈ બાદસાહ (ઉ.વ.25) અને સલમાબેન રફીકભાઈ શેખ (ઉ.વ.37)ને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી 1.091 કિ.ગ્રા. વનસ્પતી ગાંજાનો જથ્થો મળી આવતા એક્ટિવા એન ગાંજાનો જથ્થો મળી એક લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસની પુછપરછમાં નઝમા ઉર્ફે રૂક્સારના પતિ જમીર બાદસાહ અગાઉ ગાંજાના જથ્થા સાથે પકડાઈ ચુક્યો છે. અને તેના પર પોલીસની નઝર હોવાથી પત્ની નઝમાએ ધંધો ચાલુ કરી દીધો હતો.બન્ને મહિલાએ પોતે ગાંજાનો જથ્થો ધોરાજીથી એક્ટિવામાં લઈ આવી હોવાની કબૂલાત આપી હતી. જેથી સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. જ્યારે આ કામગીરી એસઓજીના પીએસઆઈ બી.સી.મીયાત્રા સહિતના સ્ટાફે કરી હતી.