રાજકોટમાં કુવાડવા પાસે રહેતા ત્રણ બહેનોના એકલોતા ભાઈનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.જ્યારે બનાવ મામલે પોલીસે નોંધ કરી તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.
માહિતી મુજબ કુવાડવા રોડ પર પટેલ પાર્કમાં રહેતાં દિવ્યેશભાઈ નારણભાઇ ડોડીયા (ઉ.વ.38) પોતાના ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેથી પરિવાર દ્વારા તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક મજૂરી કામ કરતાં હતા. અને તેના 11 માસ પહેલાં જ લગ્ન થયાં હતાં. તેમજ તેઓ ત્રણ બહેનોનો એકના એક ભાઈ અને પરિવારનો આધારસ્તંભ હતા. જ્યારે તબીબોએ તેને હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું. હાલ યુવકના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો છે.