મહેંદી આર્ટિસ્ટે ઈન્સ્ટાગ્રામ પર તસવીર મુકી’ને યુવકે ઉપયોગ કરીને પજવી
ઈન્સ્ટાગ્રામ આઈડી પર પોતાની તસવીરોનો ઢગલો કરી દેતી યુવતીઓએ ચેતવા જેવો કિસ્સો: યુવતીના માતા-પિતાના પણ કાન ભંભેર્યા
ઈન્સ્ટાગ્રામ-ફેસબુક-સ્નેપચેટ સહિતની એપ્લીકેશન ઉપર લોકો પોતાની તસવીરો શેયર કરી રહ્યા છે ત્યારે આ તસવીરોને ઘણી વખત ગેરઉપયોગ પણ થઈ રહ્યો હોય છે. આવો જ એક કિસ્સો ઉપલેટામાં બનવા પામ્યો હતો જ્યાં મહેંદી આર્ટિસ્ટે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર અપલોડ કરી હતી જે તસવીર એક યુવકે ચોરી કરીને યુવતીને પજવવાનું શરૂ કરતાં આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે શાહિન મુસ્તાકભાઈ ધરારે નોંધાવેલી ફરિયાદમાં શાહનવાઝ ઉર્ફે ચાચું અને જિલાનીબાપૂના નામ આપ્યા છે. ફરિયાદમાં શાહિને જણાવ્યું કે પોતે મહેંદી આર્ટિસ્ટનું કામ કરે છે. પોતાનામાં રહેલી મહેંદી પાડવાની કલાની જાહેરાત કરવા માટે તેણે ઈન્સ્ટાગ્રામ પર આઈડી બનાવ્યું હતું. આ આઈડીમાં તે નિયમિત રીતે જાહેરાત મુકતી હતી. સાથે સાથે તેમાં યુવતીનો પણ ફોટો હોય શાહનવાઝે તે ફોટો લઈને યુવતીને હેરાન કરવાનું શરૂ કરતાં તેને બ્લોક કરી દીધો હતો.
આ પછી સુધરવાને બદલે શાહનવાઝે બીજુ આઈડી બનાવ્યું હતું અને તેના મારફતે શાહિનને હેરાન કરી રહ્યો હતો. આટલું ઓછું હોય તેમ તેણે યુવતીના માતા-પિતાની ખોટી કાનભંભેરણી પણ કરી હતી. શાહનવાઝ અને જીલાનીબાપુએ શાહિનને રસ્તામાં અટકાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આખરે કંટાળીને તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.