નિકાહ મુદે કરાયેલા હુમલામાં ત્યક્તાએ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો
કુવાડવા રોડ પર દસ દિવસ પૂર્વે ત્યક્તા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો’તો : સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો
શહેરમાં કુવાડવા રોડ પર શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં 31 વર્ષિય ત્યક્તા પર દસ દિવસ પૂર્વે તેના પૂર્વ જેઠના પુત્ર અને જમાઈ સહીતના ત્રણ શખસોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.જેથી મહિલાને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવી હતી.અને મહિલાએ ગઇકાલે સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.જેથી આ મામલે બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.
મળતી માહિતી મુજબ કુવાડવા રોડ પાસે શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતી રેશ્માબેન યુનુસભાઈ બેલીમ નામની ત્યક્તા ગત તા.14-11ના પોતાના ઘરે હતી.ત્યારે તેના પૂર્વે જેઠ મહેબૂબભાઈનો પુત્ર ટીપુ, મહેબૂબભાઈનો જમાઈ સોહિલ અને એક અજાણ્યા શખસે છરી વડે રેશ્માબેન પર જીવલેણ હુમલો કર્યો હતો.જેથી તેઓને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અને તે સમયે રેશ્માબેન ભાણેજ શોહેબભાઇ બોદુભાઇ સોલંકીએ ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. શોહેબભાઇએ હુમલાનું કારણ જણાવ્યું હતું કે,મારા માસી રેશ્માબેનના લગ્ન વર્ષ 2005 માં થયેલ અને દોઢેક વર્ષ પહેલાં તેમનું તેમનાં પતી આરીફ સમા સાથે છૂટા છેડા થયેલ હતા.રેશ્માબેન અગાઉ તેમનાં પતી સાથે રામનાથપરા હુસેની ચોક અલ્કાબા મસ્જીદની સામે રહેતા હતા. તે વખતે તેમનાં કૌટુંબીક જેઠ મહેબુબ સમા તેમની પડોશમાં રહેતા હોય અને રેશ્માબેનનું છુટુ થયુ બાદ તેમનાં કૌટુંબીક જેઠ મહેબુબને નીકાહ કરવા હતા. પરંતુ મહેબુબ રેશ્માબેનનાં સંતાનોને સ્વીકારવા તૈયાર ન હતો. આ બાબતે બંને વચ્ચે અવાર નવાર ઝગડા થતા હતા.
જે બાદ રેશ્માબેને તેમની સાથે નિકાહ નહી કરવાનું નક્કી કર્યું હતું. જેથી મહેબુબ ખાર રાખી અવાર નવાર રેશ્માબેનને ધમકીઓ આપતો અને લગ્ન કરવા દબાણ કરતો હતો.જે વાતનો ખાર રાખીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.અને રેશ્માબેનનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.અને બી ડિવિઝન પોલીસ દ્વારા હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી કરી છે.