પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહેલી પત્નીને પતિએ પતાવી દીધી
જેતપુરના પેઢલા ગામે બનેલી ઘટના: પ્રેમીને પણ ધોકાવ્યો
દિવાળીના તહેવારમાં જેતપુરના પેઢલા ગામે એક ચોંકાવનારો બનાવ બની ગયો હતો. પત્ની તેના પ્રેમી સાથે રંગરેલીયા મનાવી રહી હોય બરાબર ત્યારે જ પતિ પહોંચી જતાં કાબૂ ગુમાવી બેઠો હતો અને સ્થળ પર જ પડેલો લાકડાનો ધોકો લઈ પત્નીને પતાવી દીધી હતી તો તેના પ્રેમીને પણ મરણતોલ માર માર્યો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના એકલવારા ભગતવાની પાળે રહેતા લખન મોવતભાઈ વાસકેલાના લગ્ન એક વર્ષ પહેલાં માંગીવાવ મડિયાની દીકરી સંગીતા સાથે થયા હતા. આ પછી બન્ને મજૂરીકામ કરવા જેતપુર આવ્યા હતા. આ દરમિયાન સંગીતાની નજર સંજય ગોપાલ સોલંકી સાથે મળી જતાં બન્ને રતિક્રિડામાં વારંવાર મગ્ન થઈ રહ્યા હતા. દરમિયાન તાજેતરમાં જ સંજય, સંગીતા અને તેનો પતિ ત્રણેય ઓરડીમાં એકઠા થયા હતા. આ વેળાએ સંગીતાનો પતિ તમાકુ લેવા બહાર જતાં જ સંજય અને સંગીતા એકાંતની પળો માણવા લાગ્યા હતા બરાબર ત્યારે જ લખન આવી જતાં રોષે ભરાયો હતો અને લાકડાનો ધોકો લઈને તેના ઉપર તૂટી પડ્યો હતો. સંગીતાને માથા પર આડેધડ ધોકાના ઘા લાગતાં સ્થલ પર જ તેનું પ્રાણપંખેરું ઉડી જતાં બનાવ હત્યામાં પલટાયો હતો. લખને સંજયને પણ માથામાં ધોકા માર્યા હોય તેને હોસ્પિટલે ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે લખનને ઉઠાવી લીધો હતો.