ફાર્મ હાઉસ બનાવવાનું કહી રાજકોટના બિલ્ડરે ઉદ્યોગપતિને 17 લાખનો ચૂનો ચોપડ્યો
કાલાવડ તાલુકાના શીશાંગ ગામ પાસેની જમીનમાં ફાર્મ હાઉસ બનાવી આપવાના નામે પૈસા પડાવ્યા : પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં ગંગોત્રી મંગલ પાર્ક સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિને સોમનાથ સોસાયટીમાં રહેતા બિલ્ડરે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામ પાસે ફાર્મ હાઉસ બનાવી આપવાના બહાને કટકે કટકે રૂ.17 લાખ મેળવી લીધા બાદ ફાર્મ હાઉસ બનાવી ન આપી પૈસાનું બુચ મારી દઈ છેતરપિંડી કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે રાજકોટના બિલ્ડર સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.
બનાવની માહિતી મુજબ રાજકોટમાં ગંગોત્રી મંગલ પાર્ક સોસાયટીમાં રહેતા અને અગાઉ રબરની ફેક્ટરી ધરાવતા હરીશભાઈ સોમનાથભાઈ પંડ્યા નામના 65 વર્ષના વૃદ્ધે છેતરપિંડીની નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રાજકોટમાં સોમનાથ સોસાયટીમાં રહેતા બિલ્ડર જીતેન્દ્રભાઈ કુંવરજીભાઈ મારુનું નામ આપતા જણાવ્યું હતું કે,હરેશભાઈ પંડ્યા કે જે પોતાની રબરની ફેક્ટરી બંધ કરી હતી, અને અન્ય પાર્ટીને વેચી નાખી હતી, જેના વેચાણની રકમ આવવાથી તેઓએ ફાર્મ હાઉસમાં રોકાણ કરવા માટે જીતેન્દ્રભાઈ મારુ સાથે સંપર્ક કર્યો હતો, અને 2016ની સાલમાં 24,50,000 માં ફાર્મ હાઉસ ઉભું કરવા માટેનો શોદો કરીને તે પેટે કટકે કટકે રોકડ તેમજ ચેક મારફતે કુલ 17 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.જેને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં જીતેન્દ્ર મારુએ કોઈ પણ પ્રકારનું બાંધકામ કે ફાર્મ હાઉસ તૈયાર કરીને આપ્યું ન હતું,અને રકમ પણ પરત કરી ન હતી. જેથી હરીશભાઈએ જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક કરી જીતેન્દ્ર મારુ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્યના પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી છે.