`સેન્સેટીવ’ ગણાતાં ચાના થડા-ઈંડાની રેંકડીઓ પર રોજ થઈ રહી છે મગજમારી છતાં કડકાઈ નહીં
ઈંડાની રેંકડીઓ ફરી શહેરમાં આડેધડ ખડકાવા લાગી, રાત પડે એટલે નશેડીઓ જમવા આવે’ને નાની-નાની બાબતે શરૂ થઈ જતી મારામારી:
પોલીસની સાથે જ મનપા દ્વારા અહીં ક્યારેય કડક હાથે કામ લેવાતું ન હોય ટપોરીઓની વધી રહેલી હિંમત
શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં ચાની હોટેલો-થડાં પર આડેધડ વાહન પાર્ક કરીને લોકો ચાની ચૂસકી મારતા હોય છે, આ જ સમયે જો ત્યાં પડેલા વાહનને નાની અમથી ઠોકર લાગી જાય એટલે વાત મારામારી સુધી પહોંચી જતી હોવાના અનેક દાખલા
પોલીસ જો નિયમિત ઈંડાની રેંકડીઓ પર ચેકિંગ કરે તો તેમણે પીધેલીયાઓને પકડવા બીજે ક્યાંય જવું ન પડે-શહેરીજનોનો મત: ચાની હોટેલો બહાર શિસ્તબદ્ધ પાર્કિંગ કરાવવા માટે કઈ વસ્તુ નડતી હશે ?
રંગીલા રાજકોટને જાણે કે થોડા સમયથી કોઈની નજર લાગી ગઈ હોય તેવી રીતે ચોરી, લૂંટ, છેડતી, મારામારી, હત્યા સહિતના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં જ આઝાદ ચોકમાં ઈંડાની રેંકડી પર ધસી આવી ત્રણ શખ્સોએ યુવાનને રહેંસી નાખ્યાની ઘટના બની હતી. ભલે આ બનાવમાં જુગારના પૈસાની ઉઘરાણી જવાબદાર હોય અને ઘટના ઈંડાની રેંકડી પર બની હોય પરંતુ એક વાત તો લોકો ચોક્કસપણે કહેવા અને માનવા લાગ્યા છે કે શહેરમાં ઈંડાની રેંકડીઓ અને ચાની હોટેલો તેમજ નાના-મોટા થડાઓ હવે રીતસરના ડખ્ખાના ઘર બની ગયા છે એટલા માટે હવે પોલીસે કડક બનીને આ દિશામાં કાર્યવાહી કરવી જ જોઈએ અન્યથા આ પ્રકારની હત્યાઓમાં વધારો પણ થઈ શકે છે !
ઈંડાની રેંકડીઓની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં મહાપાલિકા દ્વારા શહેરના શાસ્ત્રીમેદાન આસપાસ મોટી સંખ્યામાં રહેતી રેંકડીઓ ઉપરાંત અન્ય વિસ્તારો કે જ્યાં આડેધડ રીતે રેંકડીઓ ખડકાઈ ગઈ હોય તે તમામને હટાવી શહેરની બહાર ધંધો કરવા કડક સુચના આપી હતી. આ સુચનાનું પાલન પણ થઈ રહ્યું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બધું ઠંડું પડવા લાગ્યું અને અનેક રેંકડીઓ અત્યારે શહેરમાં ઉભી રહેવા લાગી છે. જ્યાં સાંજે ૭ વાગ્યાથી લઈ રાત્રે ૧૨ વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકો ઈંડાનો નાસ્તો કરવા આવે છે. ઈંડાની રેંકડીઓ શહેરમાં ઉભી રહેવી જોઈએ કે નહીં તેને લઈને લોકોના મત ભીન્ન છે પરંતુ ઘણોખરો વર્ગ એવું કહી રહ્યો છે કે રેંકડીઓ પર મોટાભાગે નશેડીઓ જ નાસ્તો કરવા આવતા હોય તેમને કોઈ પ્રકારનું ભાન રહેતું નથી અને નાની અમથી વાતે છરી-ધોકા-પાઈપ સહિતના હથિયારોથી હુમલો કરતા પહેલાં વિચાર કરતા નથી ! આ પ્રકારનું દૂષણ બંધ થવું જરૂરી બની જાય છે. લોકો છાતી ઠોકીને કહી રહ્યા છે કે જો પોલીસ દ્વારા ઈંડાની રેંકડીઓ પર નિયમિત ચેકિંગ કરવામાં આવે તો પીધેલીયાઓને પકડવા માટે તેમણે બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં !!
આવી જ રીતે શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં ચાની હોટેલો તેમજ ચાના થડાઓ ઉપર આખો દિવસ લોકોની અવર-જવર રહે છે. લોકો ચાની ચુસ્કી મારવા આવે તેમાં કોઈને વાંધો ન હોય પરંતુ જે પ્રકારે હોટેલ-થડાની નજીક આડેધડ રીતે વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે તે ત્રાસદાયક બની જાય છે. વળી અહીં પણ છાંટોપાણી કરીને લોકો આવતા હોય બગીચો હોય તેવી રીતે વાહન ખડકી દે છે અને જો તેમને કોઈ વાહન ખસેડવાનું કહે કે તેના વાહન સાથે કોઈનું વાહન અથડાય એટલે કાનના કીડા ખરી જાય તેવી ગાળો ભાંડી મારામારી પર ઉતરી આવે છે. આ દૂષણ દિન-પ્રતિદિન વકરી રહ્યું હોય તેને અટકાવવું જરૂરી બની જાય છે.
૪ દિ’ પહેલાં ડીસીપીએ ચાની હોટેલનો `રાઉન્ડ’ લઈ અનેકને દોડાવ્યા’તા
હજુ ચાર દિવસ પહેલાં જ ડીસીપી સુધીરકુમાર દેસાઈએ એ-ડિવિઝન પોલીસ મથકની નજીક આવેલા મચ્છોધણી હોટેલ પાસે સરપ્રાઈઝ ચેકિંગ કરતાં જ મધરાત્રે આડેધડ વાહન પાર્ક કરીને ઉભેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ પછી પોલીસે ૧૨ લોકો સામે ગુના નોંધી કાયદાનું ભાન પણ કરાવ્યું હતું ત્યારે આ જ પ્રકારનું ચેકિંગ જો નિયમિત રીતે ઈંડાની રેંકડીઓ અને ચાની હોટેલો-થડા નજીક કરવામાં આવે એટલે ઘણો ફાયદો થાય તેમ હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે.
તંત્રની ગાડીઓ ચાની હોટેલો પર ઉભી તો રહે છે, નિયમન કરાવવા નહીં, ચા પીવા !
શહેરીજનો એવો ટોણો પણ મારી રહ્યા છે કે ચાની અલગ-અલગ હોટેલો તેમજ થડા પાસે સરકારી તંત્રની ગાડીઓ ઘણીવાર ઉભેલી જોવા મળે છે. અહીં ગાડી ઉભેલી જોઈને ત્યાંથી પસાર થતાં લોકોને એમ લાગતું હોય છે કે નક્કી આ ગાડી હોટેલ-થડા સંચાલક પાસે કડક નિયમનું પાલન કરાવવા માટે ઉભી હશે પરંતુ એવું હોતું નથી અને આ ગાડીમાં બેઠેલો સ્ટાફ તો અહીં ચા પીવા માટે આવ્યો હોય છે !
ઈંડાની રેંકડીઓ પર શા માટે ફૂડ શાખા ચેકિંગ કરતી નથી ?
લોકોનું એવું પણ કહેવું છે કે મહાપાલિકાની ફૂડ શાખા આક્રમક બનીને ધડાધડ ભેળસેળયુક્ત પદાર્થનું વેચાણ કરતા તત્ત્વો પર તૂટી પડી છે ત્યારે શા માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઉભી રહેતી ઈંડાની રેંકડીઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું નથી ? શું રેંકડીઓમાં વેચાતી ઈંડાની વાનગીઓમાં બધું શુદ્ધ જ વપરાતું હશે ? લોકોનું કહેવું એવું પણ છે કે અહીં ઘણી બધી વાસી સામગ્રી વપરાય છે પરંતુ નશેડીઓને તેનો ખ્યાલ રહેતો જ નથી !