કરોડોનું કૌભાંડ આચરનાર સ્વામી ગેંગના મુખ્ય સૂત્રધાર સુરેશ ઘોરીની ધરપકડ: ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટના જમીન મકાનના ધંધાર્થીએ રૂા.૩ કરોડ ગુમાવતા કરેલી ફરિયાદ બાદ સમગ્ર પ્રકરણ થયું’તું ઉજાગર: હજુ દર્શનપ્રિય સ્વામી અને માધવપ્રિય સ્વામી પોલીસ પકડથી દૂર
ગાંધીનગર સી.આઇ.ડી. ક્રાઈમે તપાસ કરતા ૧૫૦ કરોડથી વધુનું આંતરરાજ્ય કૌભાંડ સામે આવ્યું: ૯ ગુના નોંધાયા
રાજકોટના જમીન મકાનના ધંધાથીને મંદિર બનાવવા માટે જમીન લેવાનું કહીને મોટો નફો આપવાની લાલચ દઈ રૂપિયા ૩ કરોડનું કૌભાંડ આચારવામાં આવ્યું હતું. જે સમગ્ર કેસની તપાસ ગાંધીનગર સીઆઇડી ક્રાઈમને સોપતા કૌભાંડનો વ્યાપ ત્રણ રાજ્ય અને આંકડો ૧૫૦ કરોડથી પણ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. છ મહિના સુધી ફરાર રહેલા આ કેસના મુખ્ય સૂત્રધાર સુરેશ ઘોરીને પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા રાજકોટ સેશન્સ કોર્ટમાં હાજર કરતા અદાલતે ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
શહેરના નવલનગર શેરી નં ૩ માં રહેતા અને જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલા જસ્મીનભાઈ માઢક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી કે, તેઓ તેમના મિત્ર સાથે સુરત ગયા હતા તે સમયગાળા દરમીયાન આરોપી સુરેશ ઘોરી સાથે મુલાકાત થઈ અને પોતે કેટલાક સ્વામિથી પરિચિત હોય જેઓને મંદિર બનાવવા જમીન લેવી હોય પરંતુ ખેડૂતો આ જમીન તેમને વધુ કિમતે આપતા હોવાનું કહી વચ્ચે રહીને નફો કમાવવાની લાલચ આપી હતી. જે બાદ આ ચીટર ગેંગના ચાર સ્વામી સહિતના આરોપીઓએ જસ્મીનભાઈને પોતાના જાસામાં લઈને રૂ. ૩ કરોડથી વધુની રકમ લઈ પરત ન કરતા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ આ ઘણું મોટું કૌભાંડ હોવાનું સામે આવતા રાજ્ય સરકારે આ કેસની તપાસ સીડી ક્રાઇમ ગાંધીનગરને શોંપી હતી. પોલીસ તપાસ દરમિયાન આ કૌભાંડ ૧૫૦ કરોડથી પણ વધુ અને આ ગેંગ સામે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ૨૦થી વધુ ફરિયાદ નોંધાઈ હોવાનુ સામે આવ્યું હતું.
ફરિયાદના છ મહિના બાદ પોલીસે આ કેસના મુખ્ય સૂત્રધાર સુરેશ ઘોરીને દબોચી લઈ રાજકોટ સેશન્સ કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા હાજર કર્યો હતો.સરકાર તરફે સરકારી વકીલ એસ.કે.વોરા હાજર રહીને દલીલ કરી હતી કે, ફરિયાદીએ ગુમાવેલી રકમ કોની પાસે છે તે અંગે આરોપીની પૂછપરછની જરૂરિયાત રહેલી છે. બંને પક્ષકારોની રજૂઆતના અંતે અદાલતે આરોપી સુરેશ ધોરીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સંડોવાયેલા આણંદના દર્શનપ્રિય ( ડી.પી.) સ્વામી અને અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી હજુ સુધી પોલીસના પકડથી દૂર છે. સુરેશ ઘોરીની પૂછપરછમાં આ બંનેના કેટલાક રાઝ ખોલે તો નવાઈ નહી.
આરોપી સુરેશ સુરતના ફ્લેટમાં ત્રણ પત્નીઓ સાથે રહેતો
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુરેશ રતિલાલ ઘોરીની ધરપકડ બાદ સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ફરિયાદીઓ દ્વારા ગુમાવેલ રકમની તમામ આરોપીઓએ ભાગબટાઇ કરી લીધી હતી. તેમજ મૂળ ભાવનગરના ભંડારીયા ગામનો વતની સુરેશ સુરતમાં યોગી ચોક પાસે એક એપાર્ટમેન્ટમાં ત્રણ પત્નીઓ સાથે રહેતો હતો. આ ગેંગ રીઝા ગામે ૧૨ અને લિબ ગામે ૫થી વધુ સાટાખત કરાવી કરોડો રૂપિયાનું ફ્લેકું ફેરવી દીધું છે.