ગાંડી વેલની વચ્ચે દારૂ છૂપાવવાનો ગજબ કીમિયો !!
મહાપાલિકાનો સ્ટાફ સફાઈ માટે પહોંચ્યો’ને દારૂ ભરેલા કોથળા મળ્યા: થોડી જ વારમાં લોકોના ટોળાએ ધસી આવી ગાળો ભાંડતાં વિજિલન્સ સ્ટાફને દોડાવાયો
કોઠારિયા રોડ પછી હાઈ-વે પર મીરા દાતારની દરગાહ પાસે નદીની અંદર ઉગેલી ગાંડી વેલનો ભરપૂર ઉપયોગ કરતા બૂટલેગરો: ભક્તિનગર પોલીસ અજાણ ?
રાજકોટમાં જડબેસલાક દારૂબંધી છે…! આ વાક્ય પોલીસ તંત્ર અને રાજકારણીઓના મતે જ સાચી છે બાકી તો શહેરમાં છાનેખૂણે દારૂ વેચાઈ જ રહ્યો છે જેનું જીવંત ઉદાહરણ દરરોજ પકડાઈ રહેલો જથ્થો છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા બૂટલેગરો-પ્યાસીઓ ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે જેના કારણે વેચાણમાં થોડોક એવો ઘટાડો નોંધાયો છે. જો કે અમુક ભેજાબાજ બૂટલેગરો એવા પણ છે જેઓ ચૂંટણી હોવા છતાં દારૂ વેચવામાં પાછીપાની કરી રહ્યા નથી. આવા જ દારૂ છૂપાવવાના એક નવતર કીમિયાનો પર્દાફાશ થયો છે. સામાન્ય રીતે બૂટલેગર દ્વારા ઘરમાં ખૂણેખાચરો દારૂનો જથ્થો છૂપાવી દેવાતો હોય છે તો વળી અમુક દ્વારા મગજ ચકરાવે ચડી જાય તે પ્રકારે દારૂ છૂપાવાતો હોય છે. જો કે હવે તો રાજકોટમાં પાણીની વચ્ચોવચ્ચ ઉગતી ગાંડી વેલની વચ્ચે દારૂ છૂપાવી દેવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે નાડોદાનગર, કોઠારિયા રોડ પછી હાઈ-વે પર મીરા દાતારની દરગાહ પાસે એક નદી આવેલી છે. આ નદીમાં ગાંડી વેલ બેફામ ઉભી રહી હોવાનું અને તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાની ફરિયાદ મહાપાલિકાને મળતાં તાત્કાલિક સ્ટાફ ઉપરોક્ત સ્થળ ઉપર ગાંડી વેલને દૂર કરવા માટે પહોંચ્યો હતો. જો કે ગાંડી વેલ એટલી તીવ્ર પ્રમાણમાં ઉગી નીકળી હતી કે તેને સાફ કેવી રીતે કરવી તેનું પ્લાનિંગ કરવું પડે તેવી સ્થિતિ હતી ! આ પછી ગાંડી વેલને ક્યાંથી દૂર કરવી તેનું ચેકિંગ કરતી વખતે જ એક ચોક્કસ સ્થળેથી ઈંગ્લીશ દારૂની બોટલ ભરેલા કોથળા મળી આવતાં સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો !
ગાંડી વેલ એવી વનસ્પતિ છે જેની વચ્ચે ઘૂસવાની માણસ તો દૂર બલ્કે શ્વાન પણ હિંમત કરતા હોતા નથી કેમ કે એક વખત વેલની વચ્ચે ઘૂસી ગયા બાદ બહાર જીવિત નીકળવું કપરું બની જાય છે ! આટલી ખરાબ સ્થિતિમાં પણ અહીં સુધી દારૂ કેવી રીતે છૂપાવાયો હશે તે જાણવું જરૂરી બની જાય છે. મહત્ત્વની વાત એ છે કે મહાપાલિકાનો સ્ટાફ ગાંડી વેલ દૂર કરવા આવ્યો હોવાની જાણ થતાં જ અમુક ટપોરી પ્રકારના લોકો ત્યાં ધસી આવ્યા હતા અને ગાળાગાળી શરૂ કરી દેતાં સ્ટાફે તાત્કાલિક મહાપાલિકાની વિજિલન્સ શાખાને સ્થળ પર બોલાવી હતી. આ પછી વિજિલન્સ સ્ટાફે મામલો હાથમાં લઈ લેતાં કોઈ મોટી ઘટના બની ન્હોતી.
અત્રે મહત્ત્વની વાત એ પણ છે કે વિજિલન્સ શાખાના ધ્યાન પર ગાંડી વેલની વચ્ચે દારૂ પડ્યો હોવાનું ધ્યાન પર આવ્યું છતાં સ્થાનિક પોલીસને જાણ કેમ નહીં કરી હોય ? તેના કરતા પણ જરૂરી વાત એ છે કે શું આ રીતે દારૂ છૂપાવાઈ રહ્યાની વાતથી સ્થાનિક ભક્તિનગર પોલીસ અજાણ હશે ?