તસ્કરો દાઢી કરવાની બ્લેડ, હેર કલર, મેગી, ક્રીમના બોક્સ ચોરી ગયા !
રૈયા નાકા ટાવર પાસે મહેતા એજન્સીમાં ૪.૪૦ લાખની ચોરી: સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા

રાજકોટમાં તસ્કરોની રંજાડ ઓછી થવાનું નામ લઈ રહી નથી ત્યારે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં નાની-મોટી ચોરીઓ થઈ રહી છે. આવી જ એક નોંધપાત્ર ચોરી રૈયા નાકા ટાવર પાસે આવેલી મહેતા એજન્સીમાં થવા પામી છે જ્યાંથી તસ્કરો દાઢી કરવાની બ્લેડ, હેર કલર, મેગી, ક્રિમના બોક્સ સહિત ૪.૪૦ લાખનો માલ ચોરી જતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.

આ અંગે દુકાન માલિક નિલેશ શશીકાંતભાઈ મહેતાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે શનિવારે સવારે પોણા નવ વાગ્યે તેના પિતાનો એજન્સીમાં ચોરી થયા અંગેનો ફોન આવતાં તે અને મોટોભાઈ નિખીલ હાંફળા ફાંફળા દુકાન પર દોડી આવ્યા હતા. આ પછી દુકાનમાં ચેક કરતાં કેમેરો લટકતી હાલતમાં જોવા મળ્યો હતો સાથે સાથે ગલ્લામાં દસેક હજારની રોકડ પડી હતી તે પણ ગાયબ હતી. આ ઉપરાંત દુકાનમાં રહેલી અલગ-અલગ કંપનીની સેવિંગ બ્લેડના ૧૬૨૦ પેકેટ કે જેની કિંમત ૨.૨૮ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે, ચોકલેટના ત્રણ કાર્ટુન, હેર કલરના પાંચ કાર્ટુન, માચીસના દસ બોક્સ, ફેસ ક્રિમના ૨૮ કાર્ટુન મળી ૪.૩૦ લાખની વસ્તુઓ ઉઠાવી ગયા હતા.

તસ્કરો દુકાનના બીજા માળે આવેલી લોખંડની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ્યા હોવાનું ધ્યાન પર આવ્યું છે અને ચોરીને અંજામ સવારે સવા આઠેક વાગ્યા આસપાસ આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી ઝોન-૨, એ-ડિવિઝન પોલીસ દ્વારા તસ્કરોને પકડવા માટે ચારેય બાજુ દોડધામ શરૂ કરાઈ છે.

