રાજકોટમાં તસ્કરો બેફામ:એક જ દિવસમાં બે મકાન માંથી રૂ.2.22 લાખની ચોરી
મોરબી રોડ અને નાના મૌવા વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવ્યા
રાજકોટમાં પોલીસના કહેવાતા નાઈટ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરો બેફામ બન્યા છે. એક જ રાતમાં બે મકાનને નિશાન બનાવ્યા હતા જેમાં રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ સદગુરુ પાર્ક અને નાના મૌવા વિસ્તારમાં સાંઇબાબા પાર્કમાં ત્રાટકેલા તસ્કરો રૂ.2.22 લાખની મતા ચોરી કરી ગયા હતા.
પ્રથમ બનાવમાં જુનો મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ સદગુરુ પાર્ક-૧માં રહેતા નિતીનભાઈ શીવાભાઇ ઉભડીયાના બંધ મકાનમાંથી ઘૂસી દરવાજા તથા રૂમોના તેમજ કબાટ, તિજોરીના તાળા તોડી રોકડ રૂપિયા 7૩,૦૦૦ તથા તિજોરીમાં રાખેલ ગલ્લામાંથી રોકડા રૂપિયા ૫,૦૦૦ તથા સોના-ચાંદીના દાગીના સહિત રૂ. 1.47 લાખની મતા ચોરી ગયા હતા. આ બનાવ અંગે બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
બીજા બનાવમાં નાના મૌવા સાંઇબાબા પાર્કમાં રહેતા આરતીબેન વિજયભાઇ રાવના બંધ મકાનનો દરવાજાનો તાળો તોડી મકાનમા પ્રવેશી અંદર રાખેલ બાચકાઓમાં પેક કરી રાખેલ અલગ અલગ ઘરવખરીનો સામાન જેમાં મોટા સ્ટીલના ડબ્બા જે ડબ્બાઓમાં અંદર છુટી સ્ટીલની ડીસો તથા ચમચીઓ તથા સ્ટીલના નાના ડબ્બાઓ મુકેલ હતા તેમજ સ્ટીલના પાંચ ડબ્બાઓ તથા સ્ટીલના થાળીના સેટ નંગ-૨૦ સહિત રૂા. ૭૫,૦૦૦ ની મતાની ચોરી કરી જત આ બનાવ અંગે તાલુકા પોલીસમાં ફારીયાદ નોંધાઈ હતી.