રાજકોટના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના મકાનમાં તસ્કરોના ત્રાટક્યા : 8.14 લાખની મતા ચોરાઈ
જેતપુરમાં આવેલ મકાને દિવાળી પર બંધ કરી નિલકંઠપાર્કમાં રહેવાં આવ્યા હતા ત્યારે તસ્કરોએ બનાવ્યું નિશાન : અરજી પર પોલીસે સવા મહિના બાદ ફરિયાદ નોંધી : સીસીટીવીમાં તસ્કર બેલડી કેદ
જેતપુરના દાતાર તકિયા પાસે રહેતા રાજકોટના દિપક રોડવેઝ નામનો ટ્રાન્સપોર્ટ ચલાવતા ટ્રાન્સપોર્ટરના જેતપુર ખાતેના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂા. 8.14 લાખની મતા ચોરી ગયા હતા. દિવાળી પર આ બનેલા બનાવમાં ટ્રાન્સપોર્ટર રાજકોટ ખાતે આવેલા પોતાના મકાને પરિવાર સાથે દિવાળી ઉજવવા આવ્યા ત્યારે બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી ગયા હતાં. આ મામલે સવા મહિના બાદ ફરિયાદ નોંધાય છે. ચોરી કરનાર બે શખ્સો સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
વિગતો મુજબ રાજકોટના નવાગામ ખાતે દિપક રોડવેઝ નામનો ટ્રાન્સપોર્ટ ચલાવતા રાજકોટના નિલકંઠ પાર્કમાં રહેતા મહેબુબભાઈ હુસેનભાઈ સુમરાનું જેતપુર ખાતે રાજકોટ રોડ પર દાતાર તકિયા સામે ધારેશ્વરમાં મકાન આવેલું છે. રાજકોટ અને જેતપુરમાં મકાન ધરાવતા ટ્રાન્સપોર્ટર મહેબુબભાઈ દિવાળીના તહેવાર ઉપર ગત તા. 21-10ના રોજ પરિવાર સાથે દિવાળી કરવા રાજકોટ આવ્યા હોય અને તે દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં. જેતપુરમાં તેમના ઘર સામે રહેતા તેમના મામા ફિરોઝભાઈએ આ બાબતે મહેબુબભાઈના માતાને મોબાઈલ ઉપર ચોરી અંગેની જાણ કરતા તેઓ જેતપુર દોડી આવ્યા હતાં.મકાનના અંદરનો દરવાજાના તાળા તુટેલા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો. તપાસ કરતા ઘરમાંથી રૂા. 47000 રોકડા તથા 7.65 લાખના સોના-ચાંદીના દાગીના મળી રૂ.8.14 લાખની મત્તા તસ્કરો ચોરી ગયા હતાં. જે બાબતે જેતપુર પોલીસમાં તેમણે અરજી કરી હતી. જે તે વખતે પોલીસે અરજીના આધારે તપાસ કરી હતી. તે દરમિયાન સીસીટીવી કેમેરામાં તસ્કર બેલડી કેદ થતાં વધુ કાર્યવાહી કરી છે.