રાજકોટ-ભાવનગર હાઈ-વે પર SMCનો દરોડો: ૧૨૦૦ લીટર દેશી દારૂ પકડ્યો
દારૂની હેરાફેરી કરનારા બે ડ્રાઈવર પકડાયા: રાજકોટ અને ચોટીલાના ખાટડીના બૂટલેગરો ભાગીદારીમાં ચલાવતા’તા ધંધો
દેશી-વિદેશી દારૂની હેરાફેરી ઉપર અંકુશ લાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરરોજ દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે આવો જ એક દરોડો રાજકોટ-ભાવનગર હાઈ-વે પર આટકોટ-ગોંડલ ચોકડી પાસે પાડીને ૧૨૦૦ લીટર દેશી દારૂ સાથે બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. દારૂનો આ જથ્થો રાજકોટ અને ખાટડીના પાંચ શખ્સોનો હોવાનું ખુલતાં પાંચેય સામે ગુન્હો નોંધીને શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એન.ગોહિલ અને ટીમે રાજકોટ-ભાવનગર હાઈ-વે પર વોચ ગોઠવીને ૧૨૦૦ લીટર દેશી દારૂ ભરેલી બે કારને પકડી પાડી હતી. આ પૈકી એક કાર માંડાડુંગર વિસ્તારમાં આવેલી પીઠડઆઈ સોસાયટીમાં રહેતો ધનજી ખેંગારભાર ચૌહાણ ચલાવી રહ્યો હતો જ્યારે બીજી કાર કોઠારિયા રોડ પર હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતો જયરાજ કનુભાઈ બોરીચા ચલાવી રહ્યો હતો.
આ બન્નેને પકડ્યા બાદ પૂછપરછમાં રાજકોટના રાજુ કાઠી, ચોટીલાના ખાટડી ગામનો અનકુભાઈ, ચોટીલાના ફુલજર ગામે રહેતો વનરાજ વિકમા, ચેતન મેરુભાઈ વિકમા અને દારૂનો જથ્થો ગ્રાહકો સુધી પહોંચાડનાર કુલદીપ મેરુભાઈ વિકમાનું નામ આપતાં તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે ૨.૪૦ લાખનો દારૂ તેમજ વાહન મળી કુલ ૬.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.