સીટ, પેટ્રોલ ટેન્ક, લાઈટ, સ્પેર વ્હીલ…જ્યાં જગ્યા મળી ત્યાં દારૂ છુપાવ્યો !
વલસાડથી દારૂના ચપલા'ની ડિલિવરી આપવા આવેલો
ભેજાબાજ’ ખેપીયો પકડાયો
રાજકોટમાં પીસીબી, ડીસીબી, એલસીબી ઉપરાંત સ્થાનિક પોલીસ કડક બની જતાં દારૂ ઘૂસાડવા માટે બૂટલેગરો તેમજ ખેપીયાઓ અવનવા કીમિયા અખત્યાર કરી રહ્યા છે. ઘણી વખત તેઓ સફળ થઈ જાય છે તો ઘણી વખત પકડાઈ પણ જતાં હોય છે ત્યારે આવા જ એક ભેજાબાજ ખેપીયાને બી-ડિવિઝન પોલીસે પકડી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ શખ્સે ગાડીમાં જ્યાં જગ્યા મળી ત્યા શીફ્તપૂર્વક દારૂ છુપાવી દીધો હતો. પહેલી નજરે તેણે કારમાં દારૂ છુપાવ્યો હશે તેવો ખ્યાલ પણ પોલીસને આવ્યો ન્હોતો !
બી-ડિવિઝન પોલીસ દ્વારા જીજે૧૫-સીક્યુ-૦૯૦૬ નંબરની સફેદ રંગની કારને અટકાવી તલાશી લેવાતાં શરૂઆતમાં તો કશું જ વાંધાજનક મળ્યું ન્હોતું. જો કે બાતમી પાક્કી હોય પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરી હતી આમ છતાં સરળતાથી કશું જ હાથ લાગી રહ્યું ન્હોતી. ત્યારબાદ પોલીસે કારની ટેલ લાઈટ, પેટ્રોલ ટેન્ક, આર્મ્સ રેસ્ટ, સ્પેર વ્હીલ સહિતની જગ્યાની તલાશી લેતાં એક-બે નહીં બલ્કે વિદેશી દારૂના ૩૭૫ `ચપલા’ પાણીની જેમ નીચે ઢોળાવા લાગતાં કારના ચાલક ધર્મેશ છીબુભાઈ નાયકા (ઉ.વ.૪૪, રહે.વલસાડ)ની ધરપકડ કરાઈ હતી. ધર્મેશ રાજકોટના બૂટલેગરને ડિલિવરી આપવા આવ્યો હતો પરંતુ તેનો ઈરાદો સફળ થાય તે પહેલાં જ પોલીસે દબોચી લીધો હતો.