મવડીની સરકારી જમીન વારસાગત મળી હોવાનું કહી નામે કરી લેવાનું કૌભાંડ ઝડપાયું
સ્ટેટ વખતે અપાયેલ જમીનના લેખમાં ચેડા કરી રાજકોટ અને ચોટીલાના શખસે કચેરીના ખોટા સહી-સિક્કા કરી, નકલી ડોક્યુમેન્ટ સાચા તરીકે કલેકટર કચેરીમાં રજૂ કર્યા : અભીલેખાગાર કચેરીમાં તપાસ કરતાં ભાંડો ફૂટ્યો : તાલુકા પોલીસે બંને સામે ગુનો નોંધી અટકાયત કરી
રાજકોટમાં સરકારી જમીનને પોતાના નામે કરી ભોગ દસ્તાવેજ બનાવવાના કૌભાંડો એક બાદ એક સામે આવઇ રહ્યા છે.જેમાં ગઇકાલે વધુ એક બનાવ પોલીસ સમક્ષ સામે આવ્યો છે. જેમાં મવડીમાં સ્ટેટની સર્વે નં.194 ની 19 એકર જમીનના બોગસ દસ્તાવેજ બનાવી ચોટીલાના નાએ રાજકોટના શખસે પોતાની માલિકી કરી લીધી હતી.અને બાદમાં તે જમીનનો દસ્તાવેજ બનાવવા મામલતદારમાં વારસાઈ હક માટે અરજી કરતાં આ કૌભાંડ સામે આવ્યું હતું. જેથી આ મામલે તાલુકા પોલીસે બે સામે ગુનો નોંધી તેણી ધરપકડ કરી છે.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ શહેર દક્ષિણ ઈન્ચાર્જ મામલતદાર શૈલેશકુમાર જેઠાભાઈ ચાવડા (ઉ.વ.58) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિનોદ માવજી પારઘી (રહે. ગાંધી વસાહત સોસાયટી મેઈન રોડ, મોરબી રોડ) નું નામ આપી જણાવ્યું હતું કે, મવડી-2 ગામના સર્વે નં.-194 પૈકીની જમીન 9 એકર 13 ગુંઠા અવસાન પામનાર ડાયાભાઈ દેશાભાઈના વારસદાર તરીકે વિનોદ માવજીભાઈ પારઘીએ સ્ટેટના લેખના આધારે ખેડવાણ જમીન મળવા તેમજ તે જમીન પરના લાંબાગાળાના ખેડવાણ કબ્જા હક્ક નિયમ બધ્ધ કરી આપી રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા સરકારમાં મંજુરી મળવા કલેકટરને તા.29/08/2023 થી અરજી કરી હતી. જેના પુરાવા તરીકે વિનોદભાઈ માવજીભાઈ પારઘીએ તેમના દાદા ડાયા દેશાના નામનો તા.26/10/1932 નો લેખ તથા બેઠા ખાતાનો ઉતારાની નકલ ખાતા નં.26 ની રજુ કરી મવડી-2 ગામના સર્વે નં.194 પૈકીની જમીન 9 એકર 13 ગુંઠા ની ફુગલાવારી ધાર મારવારૂ ખેતર તરીકે ઓળખાતી જમીન વરસાઇ દરજ્જે નામે ચડાવવા રજુઆત કરેલ હતી.અરજીમાં આપેલા પુરાવાની ખરાઇ કરતા તે સમાન ન હોવાનું જણાયું હતું.
તેમજ વિનોદ માવજીભાઇ પારઘીએ રજુ કરેલ લેખમા દર્શાવેલ ગુજરાતી તથા અંગ્રેજી કેલેન્ડર મુજબની તારીખોમા વિસંગતતા જણાઈ આવતાં કલેકટરને દરખાસ્ત કરેલ હતી.આરોપી વિનોદ માવજીભાઈ પારઘી દ્રારા સ્ટેટ લેખનુ લખાણ રજુ કરેલ જે લેખ અભીલેખાગાર કચેરી ખાતે ખરાઇ કરાવતા તે લેખની કોઇ નોંઘ થયેલ ન હોય અને અભીલેખાગાર કચેરીના ખોટા સહી સીક્કા કરેલ હોવાનુ કચેરી તરફથી જણાવતા વિનોદભાઈ પારઘીએ પોતાના દાદાને સ્ટેટ તરફથી જમીન આપવામાં આવેલ હોવાની ખોટી વિગત જણાવી ખોટા ડોક્યુમેન્ટ બનાવી સાચા તરીકે કલેકટર કચેરીમા રજુ કરી સરકારી જમીનને ખાનગી જમીન તરીકે દર્શાવી પોતાના નામની જમીન નોંઘણી કરવા અરજી કરતાં તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
જ્યારે બીજી ફરિયાદમાં આરોપીમાં લાખા નાજા ખીમસૂરીયા (રહે. સુખસર, ચોટીલા) નું નામ આપી જણાવ્યું હતું કે, આરોપી લાખા ખીમસુરીયાએ મવડી-2 ગામના સર્વે નં.194 પૈકીની જમીન 10 એકર નાજાભાઈ રઘાભાઈના વારસદાર તરીકે લખાવી નાજાભાઇએ સ્ટેટના લેખના આધારે ખેડવાણ જમીન મળવા તેમજ તે જમીન પરના લાંબાગાળાના ખેડવાણ કબ્જા હક્ક નિયમબધ્ધ કરી આપી રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા સરકારમાં મંજુરી મળવા કલેકટરને તા.19/01/2024 થી અરજી કરેલ જેના પુરાવા તરીકે લખા ખીમસુરીયાએ તેમના પિતા નાજાભાઈ રઘાના નામનો તા.26/10/1937 નો લેખ તથા બેઠા ખાતાનો ઉતારાની નકલ રજુ કરી રાજકોટ, મવડી-2 ગામના સર્વે નં.194 પૈકીની જમીન 10 એકરની ટ્રુ ગલાવારી ધાર ખેતર તરીકે ઓળખાતી જમીન વરસાઈ દરજ્જે નામે ચડાવવા રજુઆત કરેલ હતી.તેમાં પણ પુરાવા અને ગુજરાતી તથા અંગ્રેજી કેલેન્ડર મુજબની તારીખોમાં વિસંગતતા જોવા મળી હતી. અને કચેરીના ખોટા સહી સીક્કા કર્યા હોવાનુ માલૂમ પડતાં તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ તાલુકા પોલીસ મથકના પીઆઈ સી. એચ.જાદવે બંને આરોપીઓને અટકમાં લઈ પૂછતાછ હાથ ધરી છે.