અમદાવાદમાં ધોળા દિવસે આંગડીયા પેઢીના કર્મચારી સાથે રૂ.65 લાખની લૂંટ
રિક્ષામાં જઈ રહેલા કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખી અપાયો લૂંટને અંજામ: લૂંટારુઓને પકડવા પોલીસ દોડતી થઈ
અમદાવાદમાં આંગડીયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. રિક્ષામાં જતાં આંગડીયા પેઢીના કર્મચારીને રોકીને તેની આંખમાં મરચાંની ભૂકી નાખી રૂ.65 લાખની લૂંટ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.
અમદાવાદમાં લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. જાણવા મળતી વિગતો પ્રમાણે શહેરના એલિસબ્રિજ જીમખાના વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી. આર.કાંતિલાલ આંગડીયા પેઢીના કર્મચારીઓ રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે લૂંટારુઓએ કર્મચરીઓની આંખમાં મરચાંની ભૂકી નાખી રૂ.65 લાખની લૂંટ ચલાવી હતી. જ્યારે લૂંટારુઓ પાસે એરગન હોવાનું પણ આંગડીયા પેઢીના કર્મચારીએ જણાવ્યું હતું.
બાઇક પર આવેલા બે લૂંટારુઓએ આંગડીયા પેઢીના કર્મચારીઓને આંતરીને લૂંટને અંજામ આપતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ધોળા દિવસે થયેલી લૂંટથી શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે પોલીસે સીસીટીવી ચેક કરવા સહિત આપરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, લૂંટારુઓએ ફાયરિંગ પણ કર્યું હતું અને બાદમાં કર્મચારીના માથામાં બંદૂક પણ મારી હતી. ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.