સોની બજારમાં રીક્ષા ચાલકનો બંગાળી કારીગર પર છરી વડે હિચકારો હુમલો
બંધ શેરીમાં ઘુસેલા રીક્ષા ચાલકને સાઇડમાં રહેવાનું કહેતા જ યુવકને છરીના ઘા ઝીંકયા : એ ડિવિઝન પોલીસે કરી કાર્યવાહી
શહેરમાં લુખ્ખા એન આવારા તત્વોને પોલીસનો કોઇ ખોફ જ ન રહ્યો હોય તેમ જાહેરમાં છરી-તલવાર-પાઇપ જેવા હથિયારો કાઢી મારામારીના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સોની બજારની ખત્રીવાડમાં એક રીક્ષા ચાલકે સામાન્ય બોલાચાલીમાં બંગાળી કારીગર પર છરી વડે હીંચકારો હુમલો કરતાં યુવાનને લોહી-લુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. અને આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગત મુજબ બંગાળના અને હાલ સોની બજારમાં આવેલ ખત્રીવાડમાં રાધે કૃષ્ણા જ્વેલર્સમાં સોની કામ કરતાં દિપકર સુભાષભાઇ (ઉ.વ. 32) નામનો યુવાન બપોરના સમયે પોતાનું બાઇક લઇ બહાર જતો હતો ત્યારે ખત્રીવાડની બંધ સાંકળી શેરીમાં એક રીક્ષા ચાલક ઘુસી ગયો હતો.જેથી યુવાનને ત્યાંથી પોતાનું બાઇક સાથે નીકળવું હોય માટે રીક્ષા ચાલક સાથે ચડભડ થઇ હતી. જે બાદ ઉશ્કેરાયેલા રીક્ષા ચાલકે છરી કાઢી યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ યુવાનને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં એ-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર.જી. બારોટ સહિતના પોલીસ કાફલો દોડી ગયો હતો અને ગુનો નોંધવા તજવીજ હાથધરી હતી.