- પાસા-તડીપાર સિવાય બીજી કોઈ જ કામગીરી નહીં કરતી પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચે પહેલીવખત રાજકોટમાં દારૂ-બીયર પકડ્યો
- નવી બનેલી ટીમે બેડીગામની સીમ અને ખોડિયારનગરમાં દરોડો પાડી ત્રણ બૂટલેગરને દબોચ્યા
પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જ પીસીબીને `એક્ટિવ’ કરીને તેમાં `અનુભવી’ સ્ટાફને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. એકંદરે રાજકોટમાં હવે ડીસીબી (ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચ) અને પીસીબી (પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ) સંયુક્ત રીતે દારૂ-જુગાર સહિતની બદી ડામવા માટે ત્રાટકશે. એકંદરે પીસીબીએ કાર્યરત થતાંની સાથે જ બે સ્થળેથી દારૂ-બીયરનો જથ્થો પકડી પાડી કામગીરીના `શ્રીગણેશ’ કર્યા હતા. પીસીબી દ્વારા અત્યાર સુધી રીઢા ગુનેગારોને પાસા, તડિપાર કરવા સહિતની જ કામગીરી કરાઈ રહી હતી પરંતુ હવેથી તેની સાથે જ દરોડા પાડવા સહિતની કામગીરી પણ કરવામાં આવશે.
પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલિયા, પીએસઆઈ એમ.જે.હુણ, મયુર પાલરિયા, સંતોષ મોરી, હરદેવસિંહ રાઠોડ, કિરતસિંહ ઝાલા, કરણ મારુ, વીરેન્દ્રસિંહ જાડેજા, વિજય મેતા, કુલદીપસિંહ જાડેજા, હિરેન સોલંકી, વાલજી જાડા અને નગીનભાઈ ડાંગર દ્વારા અલગ-અલગ બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ દરોડો ખોડિયારનગર શેરી નં.૧માં તાજ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં પડાયો હતો જ્યાંથી મુસ્તુફા ઈકબાલભાઈ લીંગડિયા (ઉ.વ.૨૮)ને દારૂની ૬૦ બોટલ સાથે પકડવામાં આવ્યો હતો.
જ્યારે બીજો દરોડો બેડીગામ મેડાધારના સીમ વિસ્તારમાં પડાયો હતો. અહીં દિવ્યેશ ચંદ્રોલાની વાડીમાં બનાવાયેલી ઓરડીમાં પીસીબીએ ત્રાટકીને દારૂની ૬૮ બોટલ અને બીયરના ૧૦૮ ટીન સાથે દિવ્યેશ નારણભાઈ ચંદ્રોલા, યુસુફ મોહમ્મદભાઈ ભાવદીનપૌત્રા અને હુસેન બાબુભાઈ જુણેજાને પકડી પાડ્યા હતા. જ્યારે ડાડામીંયા ઉર્ફે રાજુબાજુ ભાવદીનપૌત્રા ફરાર થઈ ગયો હો તેને પકડવા તજવીજ શરૂ કરાઈ છે.