બે દિવસ જ્યાં જગ્યા મળી ત્યાં સૂઈ ગયા, મજૂરીકામ મળે તે માટે આમતેમ ભટકી રહ્યા હતા’ને પોલીસ ભટકાઈ ગઈ
બહેનની છેડતી કરનારાને પતાવી દેનારા ધર્મેશ ઉર્ફે કાળુએ અનિલ કાઠી ગેંગમાં સ્થાન મેળવ્યું અને બનાસકાંઠામાં સમાધાન ઉર્ફે અધિકાર સાથે મળી મફાભાઈ પટેલને ભડાકે દીધા
હનુમાન મઢી ચોક પાસેથી ડીસીબીએ બે `સોપારી કિલર’ને પકડ્યા હતા જેમણે સવા બે વર્ષની અંદર બે હત્યા અને બે ચોરીને અંજામ આપ્યો હતો. એવી આશંકા પ્રવર્તી રહી હતી કે આ બન્ને રાજકોટ અથવા આસપાસના અન્ય કોઈ વિસ્તારમાં સોપારી મતલબ કે પૈસા લઈને હત્યા કરવાના ઈરાદે આવ્યા છે પરંતુ ઉંડાણપૂર્વક તપાસ કરાતાં આ બન્ને હત્યા કરવા નહીં બલ્કે રાજકોટમાં `આશરો’ મેળવવા માટે આવ્યા હતા. આ બન્ને સોપારી કિલરને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે જેમાં અનેક ખુલાસા થઈ શકે છે.
ડીસીબી પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે.મોવલિયા, એએસઆઈ રણજીતસિંહ પઢારિયા, હેડ કોન્સ્ટેબલ સંજય દાફડા, રામશીભાઈ કાળોતરા સહિતની ટીમે હનુમાન મઢી ચોક પાસેથી ધર્મેશ ઉર્ફે કાળુ ઉર્ફે સૂર્યા ઉર્ફે સુરજ ઉર્ફે દેવો ઉર્ફે દેવેન્દ્ર અંબારામભાઈ ઉર્ફે વાલજીભાઈ જેરામભાઈ ઝેઝરિયા (ઉ.વ.૨૫) તેમજ તેના સાથીદાર સમાધાન ઉર્ફે અધિકાર ઉર્ફે જીગર આનંદસિંગ બુહાસે (ઉ.વ.૨૭)ને દેશી બનાવટની પીસ્તલ સાથે પકડી પાડ્યા હતા.
પકડાયેલા ધર્મેશ ઉર્ફે કાળુ ૨૦૨૧માં તેની બહેનની છેડતી કરનારા શખ્સની હત્યા કરી જેલમાં ગયો હતો જ્યાંથી વચગાળાના જામીન મેળવી સવા બે વર્ષથી ફરાર થયો હતો. આ સમય દરમિયાન તેનો સંપર્ક સમાધાન ઉર્ફે અધિકાર સાથે થયો હતો. ત્યારબાદ બન્ને અનિલ કાઠીની ગેંગમાં શૂટર તરીકે સામેલ થઈને ૨૦૨૪માં બનાસકાંઠાના માવસરી ગામે મફાભાઈ પટેલની ૧૦ લાખમાં સોપારી લઈ તેમને ભડાકે દીધા હતા. આ પછી બન્નેએ ભરુચ જિલ્લામાં બે અને મહારાષ્ટ્રના નંદુરબારમાં એક એટીએમ તોડ્યું હતું. આ ગુનામાં પણ ભાગતાં ફરી રહ્યા હતા.
આટઆટલા ગુના આચર્યા બાદ પોતે પકડાય નહીં એટલે રાજકોટ આવીને અહીં કામધંધો તેમજ આશરો મેળવવાની શોધમાં લાગી ગયા હતા. તપાસમાં એવો ખુલાસો પણ થયો છે કે ધર્મેશ ઉર્ફે કાળુના કોઈ સંબંધી રાજકોટમાં રહે છે તેના થકી જ મજૂરી જેવું કોઈ કામ શોધી રહ્યા હતા. આ બન્ને બે દિવસથી રાજકોટ આવી ગયા હતા પરંતુ કોઈ હોટેલ કે લોજમાં રોકાવાને બદલે જ્યાં જગ્યા મળી ત્યાં સૂઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.