રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી હોય તેમ ગુના ખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ચોરી લૂંટ અને હવે મર્ડરની ઘટના રંગીલા રાજકોટમાં બનવા પામી છે. જેમાં માત્ર પાંચ કલાકના અંતરે બે હત્યાના બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રથમ ઘટનામાં ગાંધીગ્રામમાં રહેતા 20 વર્ષીય યુવકને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. અને બીજા બનાવમાં સ્વાતિ પાર્કમાં પૈસાની ઉઘરણીના પ્રશ્ને એક યુવકની કરપીણ હત્યા નિપજાવી તેની લાશને ત્રણ શખ્સો દ્વારા સળગાવી દેવામાં આવી હતી. અને બંને મામલે પોલીસે ગુનો નોંધી હત્યારાઓને સકંજામાં લીધા છે.
ગાંધીગ્રામમાં યુવકને મિત્રએ જ છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
રાજકોટમાં ગાંધીગ્રામ શેરી નં.8- માં શાંતિકુંજ નામના મકાનમાં રહેતાં પ્રફુલભાઈ નર્મદાશંકર વ્યાસ (ઉ.વ.58) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કૃણાલ કિર્તી ચગ (રહે. ગાંધીગ્રામ), મયલો ટકો (રહે. સાધુ વાસવાણી રોડ) નું નામ આપતાં જણાવ્યું હતું કે,તેઓ 150 ફૂટ રીંગ રોડ પર રામેશ્વર હોલ પાસે પાનની દુકાન ચલાવે છે. તેનો દીકરો અર્જુન વ્યાસ (ઉ.વ.20) કે જે છૂટક બોર્ડ બેનર લગાવવાના કામની મજૂરી કામ કરતો હતો. રાત્રીના 12 વાગ્યે અર્જુન તેના મિત્ર દિવ્યેશ, આરોપી કૃણાલ ચગ અને મયલો ટકો સાથે ગાંધીગ્રામ શેરી નં.6 ના ખૂણે કર્ણશ્વર કોમ્પ્લેક્ષ પાસે બેઠો હતો.
ત્યારે કૃણાલ અર્જુનને કહેતો હતો કે, તું મારા મિત્ર હર્ષ જાદવને ખોટા રવાડે કેમ ચડાવે છે ? તેમ કહીં અર્જુન સાથે ગાળાગાળી કરી તેને ફડાકા ઝીંકી દિધા હતાં.જેથી ઝગડો થતાં અર્જુન ત્યાંથી ચાલ્યો ગયો હતો. અને બાદમાં આરોપીએ તેનો પીછો કરી ફરી ઝગડો કર્યો હતો. અને તે સમયે કૃણાલે નેફમાંથી છરી કાઢી અર્જુનને એક ઘા તેના પેટમાં ઝીંકી દેતા અર્જુન ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.દરમિયાન સારવારમાં ખસેડતા તેનું મોત નીપજ્યું હતું. અને બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ બી.ટી.અકબરી દ્વારા ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લીધા છે.
સ્વાતિ પાર્કમાં પૈસાની ઉઘરાણીના પ્રશ્ને યુવકની ત્રણ શખ્સોએ કરપીણ હત્યા કરી લાશ સળગાવી નાખી
શહેરમાં કોઠારીયા રોડ પર સ્વાતિ પાર્કમાં એક અજાણ્યા પુરુષની હત્યા કરી સલગાવેલી લાશ પડી હોવાની જાણ થતાં આજીડેમ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તે લાશને જોતાં તેના હાથ અને પગમાં દોરી બાંધેલી જોવા મળી હતી.જેથી હત્યા થયાનું પ્રાથમિક દષ્ટિએ માલૂમ પડતાં તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથધરી હતી.
જેમાં તપાસમાં બહાર આવ્યું હતું કે,આ લાશ મંગળવારે ગુમ થયેલા સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ વશરામભાઈ ક્યાડા (ઉ.વ.35)ની હોવાનું માલૂમ પડતાં તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. જ્યારે હત્યારાઓને શોધવા ક્રાઇમ બ્રાન્ચ અને આજીડેમ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરી હતી. અને તેના મિત્ર વિરમ ઇંદુભાઈ વકાતરને પૂછતાછ માટે ઉઠાવી લીધો હતો. અને વિરમ પોલીસમાં ભાંગી પડ્યો હતો. અને તેના બે મિત્રો સાથે હત્યા કર્યાની કબૂલાત આપી હતી. મૃતક વિરમ પાસેથી આંઠ લાખ રૂપિયા માંગો હોય અને વિરમને પૈસા ન આપવા હોવાથી હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જેથી હાલ પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.