સુરેન્દ્રનગરમાં અનુ.જાતિના આગેવાનની જુગારક્લબ ઉપર દરોડો: નવ પકડાયા
ત્રણ મહિનાથી ઓફિસમાં ઘોડીપાસાના દાવ' બંધાતા'તા
આગેવાન મનસુખ ઉર્ફે ચકો પરમાર રાજકોટ, ચોટીલાથીપાયા’ (જુગારી)ને ભેગા કરી જુગાર રમાડતો’તોદલિત હિતરક્ષક સમિતિ'ના નામે ઓફિસ શરૂ કરી'ને અંદર ક્લબ શરૂ કરી દેવાઈ હતી: ૫.૪૧ લાખની રોકડ સહિત ૨૩.૦૫ લાખનો મુદ્દામાલ કબજે
સુરેન્દ્રનગરના આંબેડકરનગરમાં છેલ્લા ત્રણ મહિનાથી ધમધમતી ઘોડીપાસાની જુગારક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલાના નવ જુગારીને ૫.૪૧ લાખની રોકડ સહિત ૨૩.૦૫ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ જુગારક્લબ અનુસુચિત જાતિના આગેવાન મનસુખ ઉર્ફે ચકો પરમારની હોવાનું ખુલ્યું હતું. મનસુખ અઠંગ જુગારી હોય તે અલગ-અલગ શહેરોમાંથીપાયા’ મતલબ કે ઘોડીપાસાના જુગારીઓને એકઠા કરીને ક્લબ ચલાવતો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.વી.ગળચર સહિતની ટીમે આંબેડકરનગરમાં રાજ રેસ્ટોરન્ટની પાછળ આવેલી ઓફિસ પર દરોડો પાડી ક્લબ સંચાલક અને દલિત સમાજના આગેવાન મનસુખ ઉર્ફે ચકો રણછોડભાઈ પરમાર (રહે.સુરેન્દ્રનગર), અમિત કાનજીભાઈ રાઠોડ (રહે.સુરેન્દ્રનગર), રામભાઈ રાણાભાઈ ગમારા (રહે.સુરેન્દ્રનગર), વિશાલ વિનોદભાઈ મઢવી (રહે.સુરેન્દ્રનગર), દીપક ધનજીભાઈ દાફડા (રહે.આંબેડકરનગર-રાજકોટ), ચંદુ કરશનભાઈ મહિડા (રહે.રાજકોટ), કુલદીપસિંહ રણજીતસિંહ રાઠોડ (રહે.રાજકોટ), ભૂપત દેવાભાઈ બોરીચા (રહે.ભગવતીપરા-રાજકોટ) અને રમેશ જશવંતભાઈ રાઠોડ (રહે.સુરેન્દ્રનગર)ને પકડી પાડ્યા હતા.
પકડાયેલા મનસુખ ઉર્ફે ચકો પરમારે જણાવ્યું કે તેને સુરેન્દ્રનગરના આંબેડકર ચોકમાં પાનનો ગલ્લો છે. છેલ્લા દસ વર્ષથી તેને જુગાર રમવાની આદત હોય તે અલગ-અલગ સ્થળે જુગાર રમવા જતો હતો. આ પછી તેનો સંપર્ક રાજકોટ તેમજ સુરેન્દ્રનગરના અલગ-અલગ જુગારીઓ સાથે થયો હતો. આ પછી તેણે આંબેડકર સર્કલ પાસે રાજ રેસ્ટોરન્ટની પાછળના ભાગે વાળેલી જગ્યામાં લોખંડના પાઈપ અને પ્લાસ્ટિકનો દરવાજો ફિટ કરાવ્યો અને અંદર કમ્પાઉન્ડ વોલ બનાવી તે જગ્યામાં સીમેન્ટના પતરાની એક ઓફિસ બનાવી હતી. મનસુખ અનુસુચિત જાતિનો આગેવાન હોય ઓફિસમાં `દલિત હિતરક્ષક સમિતિ’નું કામ શરૂ કર્યું હતું અને ત્રણ મહિના પહેલાં તેણે ઘોડીપાસાની જુગારક્લબ શરૂ કરી હતી. તે અહીં રમવા આવતાં જુગારીઓ પાસેથી દર અડધી કલાકે ૫૦૦ રૂપિયા નાલ પણ ઉઘરાવતો હતો. આ જુગારક્લબ રાત્રે ૧૨ વાગ્યે શરૂ કરી સવારે પાંચ વાગ્યા સુધી ચાલતી હતી.
પકડાયેલા એક શખ્સને કેન્સર, બીજાને પગમાં તકલીફ
સ્ટેટ મોનિટરિંગ સેલે ઘોડીપાસાની જુગારક્લબમાંથી પકડેલા જુગારીઓ પૈકી રાજકોટના આંબેડકરનગરમાં રહેતા ચંદુ કરશન મહિડાની પૂછપરછ કરવામાં આવતાં તેણે કહ્યું કે તેને સાત વર્ષથી કેન્સર છે. તે રાજકોટના ભૂપત બોરિચા, દીપક દાફડા સાથે કિયા ગાડીમાં બેસી સુરેન્દ્રનગર જુગાર રમવા આવ્યો હતો. જ્યારે રાજકોટના દીપક દાફડાને પગમાં તકલીફ હોવા છતાં તે ભાગવા ગયો હતો પરંતુ ફાવ્યો ન્હોતો.
