રાવકી ગામે જુગારક્લબ પર દરોડો: મામા સરકાર’ના ભૂવા સહિત સાત પકડાયા
પ્રસંગે ભેગા થયા બાદ
ફિલ્ડ’ જમાવ્યું’ને પોલીસ ત્રાટકી: રોકડ સહિત ૧૬.૩૫ લાખનો મુદ્દામાલ કબજે
લોધીકાના રાવકી ગામની સીમમાં ચાલી રહેલી જુગારક્લબ ઉપર રૂરલ એલસીબી ટીમે દરોડો પાડી મામા સરકાર'ના ભૂવા સહિત સાત જુગારીઓને પકડી પાડતાં ચકચાર મચી જવા પામી હતી. એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ સહિતની ટીમે રાવકી ગામની સીમમાં ખોડાભાઈ બાબુભાઈ ભાચરાની વાડીમાં આવેલા મકાનમાં દરોડો પાડી ખોડા ઉર્ફે ખોડીદાસ બાબુભાઈ ફાચરા, ધવલ ઘુસાભાઈ સખીયા (રહે.સાધુવાસવાણી રોડ-રાજકોટ), ભૂપેન્દ્રસિંહ ઉર્ફે રવુભા ભોજુભા જાડેજા (રહે.રાવકી), દિનેશ પુનાભાઈ પાનસુરિયા (રહે.ઉમિયા ચોક, રાધે હોટેલ, જલજીત શેરી નં.૯, મંદિરની બાજુમાં-રાજકોટ), ધવલ મનજીભાઈ ગેડિયા (રહે.શ્રી પેલેસ, બાપા સીતારામ ચોક-રાજકોટ, મુળ કમઢિયા) અને કાનજી કાળુભાઈ બાંભવા (રહે.રૈયાગામ)ને તીનપત્તીનો જુગાર રમતાં દબોચી લીધા હતા. આ જુગારીઓ પાસેથી ૩.૩૦ લાખની રોકડ, ૯ મોબાઈલ, બે કાર, એક સ્કૂટર સહિત ૧૬.૩૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે જુગાર રમતાં પકડાયેલા જુગારીઓ પૈકી ધવલ મનજીભાઈ ગેડિયા પોતાને
મામા સરકાર’ના ભૂવા તરીકે ઓળખાવે છે અને દાણા જોવા સહિતની વિધિ કરતો હોવાનું ખુલ્યું છે. એકંદરે તેના ઉપર હજારો શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે ત્યારે તે જ જુગાર રમતાં પકડાતાં લોકોની શ્રદ્ધાને પણ ઠેસ પહોંચી છે. આ જુગારધામ એક દિવસથી જ શરૂ થયું હોવાનું અને બધા પ્રસંગ દરમિયાન ભેગા થયા હોવાથી જુગટું ખેલવા માટે બેઠા હોવાનું પોલીસે જણાવ્યું હતું.