વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર સર્વોદય સોસાયટીમાં બેભાન થઈ ઢળી પડતાં નવ માસનો ગર્ભ ધરાવતી ૨૪ વર્ષિય મહિલાનું મોત નિપજ્યું હતું. સગર્ભાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જ્યો હતો.બનાવ અંગે ભક્તિનગર પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, કોઠારીયા રોડ પર માધવ હોલની પાછળ આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતી આશાબેન સચીનભાઈ અહેવાર (ઉ.વ.૨૪) નામની મહિલા ઘરે હતી ત્યારે અચાનક ઉલ્ટી થાય બાદ બેભાન થઈ ઢળી પડી હતી. તેણીને તાકીદે સારવાર અર્થે ઝનાના હોસ્પિટલમાં ખસેડતાં તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ પી.જી. રોહડીયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આશાબેનને નવ માસનો ગર્ભ હતો.તેમજ તેની તબિયત સવારેથી જ ખરાબ હોય જેથી પતિ સાથે ગુંદાવાડી હોસ્પિટલમાંથી દવા પણ લીધી હતી.જે બાદ રાત્રે અચાનક જમ્યા બાદ તેણીને ઉલ્ટી થઈ અને બેભાન ઢળી પડી હતી.વધુમાં દંપતિ મધ્યપ્રદેશથી રાજકોટ મજૂરી માટે આવ્યું હતું. પોલીસે મોત અંગેના સચોટ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.