જેના પર દયા ખાઈ મફતમાં ભાગીદાર બનાવ્યો તેને જ કારખાનેદારનું કરી નાખ્યું
કારખાનેદાર બે માસ બીમાર પડતા યુવકે પુર્વ સેલ્સમેન સાથે મળીને પોતાની નવી કંપની બનાવી નાખી : ઉઘરાણીના 56 લાખ,બે મોબાઈલ અને બુલેટ પરત ન આપી છેતરપિંડી કરતા ગુનો નોંધાવ્યો
શહેરના નાના મવા રોડ પર શાસ્ત્રીનગરમાં રહેતા અને વિરાણી અઘાટમાં કારખાનું ધરાવતા કારખાનેદારે જીવરાજપાર્કમાં રહેતા શખસને વગર રોકાણે ધંધામા ભાગીદાર બનાવ્યો હતો.અને આ શખસે સેલ્સમેન સાથે મળી કારખાનેદારના વેપારી પાસેથી લેવામાં આવતી ઉઘરાણીના 56 લાખ જેટલા રૂપિયા પોતે ઉઘરાવીને વેપારીને આપ્યા ન હતા.ઉપરાંત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે.
વિગત મુજબ નાનામવા મેઈન રોડ પર શાસ્ત્રીનગર(અજમેરા) પાછળ રહેતા અને વિરાણી અઘાટમાં ઘનશ્યામનગર શેરી નં.ર ખાતે ખોડલ એસ્ટેટમા વેરીટો ઈન્ડીયા નામનું હાર્ડવેર અને સેનેટરીવેરનું કારખાનું ધરાવતા રસિકભાઈ વિરજીભાઈ ખાણધર (ઉ.વ.50)એ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પૂર્વ ભાગીદાર ધવલ વલ્લભભાઈ ખાંટ (રહે. જીવરાજ પાક) અને પૂર્વ સેલ્સમેન – હિતેષ હરિભાઈ કલોરાણીયા (રહે. પુનિતનગર)નું નામ આપતા જણાવ્યું હતું કે,તેના કારખાને અને બીજી પેઢી વાયબન્ટ મેટલ ટેકમાં ધવલ કોમ્પ્યુટર સર્વિસનું કામ કરવા આવતો હતો. જેને કારણે તેને 2006થી ઓળખે છે. જે-તે વખતે તેની પાસે કોઈ ધંધો ન હોવાથી 2019માં તેના કારખાનામાં એકપણ રૂપિયાનું રોકાણ કરાવ્યા વગર ૩૩ ટકાના ભાગીદાર તરીકે રાખ્યો હતો. અને ધવલને માર્કેટીંગ, ઓફિસ વર્ક, એકાઉન્ટ અને ફાયનાન્સને લગતું તમામ કામ સોંપ્યુ હતું, જે બાદ ધવલે તેના કારખાનામાં હિતેષને માર્કેટીંગના કામ માટે રાખ્યો હતો. આ રીતે બંને આરોપી તેના કારખાનામાં સેલીંગ સહિતનું તમામ કામ સંભાળી, તમામ વહિવટ પણ કરતા હતા.
૨૦૨૩માં ફરિયાદીનો તબિયત લથડતા બે- ત્રણ મહિના કારખાને જઈ શક્યા ન આ સમય દરમિયાન બંને આરોપીઓએ કારખાનાનો મહત્વનો ડેટા લઈ લીધો હતો. એટલું જ નહી આરોપીઓએ તેની જાણ બહાર વાવડીમાં અલગથી બીજુ યુનિટ ઉભું કરી દીધું હતું,જેથી તેને ભાગીદારીમાંથી છુટ્ટો કર્યો હતો. તે સમયે ધવલ પાસે તેના હસ્તકના અલગ-અલગ વેપારીઓ પાસેથી 56.47 લાખ લેવાના નીકળતા હતા.ભાગીદારી છુટ્ટી થયા બાદ ધવલે વેપારીઓ પાસેથી લેવાના થતા 56.47 લાખ ઉઘરાણી કરી તેને આપ્યા ન હતા. ઉપરાંત આરોપીઓએ તેના ગ્રાહકો પાસે જઈ વેરોટો બ્રાન્ડના અમે માલીક છીએ, તેવું કહેવાનું શરૂ કર્યું હતું.અને બંને આરોપીઓએ સોશિયલ મીડીયામાં વેટોટોના માલીક હોય તે રીતે પોતાના મોબાઈલ નંબરો લખી નાખ્યા હતા. તેના પુત્રનું બાઇક કિંમત 3.47 લાખ અને અને બે મોબાઈલ ફોન અને ઉઘરાણીના 56 લાખ પરત ન આપી ઠગાઇ કરતાં ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે ધવલની ધરપકડ કરી છે.