તીથલ બીચ ઉપરથી ૧ કરોડનું બિનવારસી ચરસ મળ્યું
કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડ્રગ મળી આવવાના બનાવો બાદ હવે વલસાડનાં તિથલ દરિયા કિનારા નજીકથી બિનવારસી ચરસ મળી આવતા ચકચાર મચી છે.
મળતી વિગતો મુજબ, તિથલ દરિયા કિનારા નજીકથી ચરસનું 1 પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. અંદાજે 1 કરોડની કિંમતનું 1.100 કિલોનું ચરસનું પેકેટ મળી આવ્યું છે. આ સમગ્ર મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે જ જિલ્લાના 70 km ના દરિયા કિનારે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરાયું છે.
વલસાડના દરિયા કિનારેથી અત્યાર સુધી ચરસના 31 પેકેટ મળી ચૂક્યા છે. આ અગાઉ અંદાજે 17 કરોડ રૂપિયાથી વધુનું ચરસ મળી ચૂક્યું છે. આ અગાઉ વલસાડ તાલુકામાં આવેલ ભાગલ ગામના દરિયા કિનારેથી કુલ 21 ચરસના પેકેટ મળી આવ્યા હતા. કુલ 21,780 કિલો ચરસ મળી આવ્યું હતું, જે અંગે વધુ તપાસ તમામ એજન્સીઓ દ્વારા કરાઈ હતી. આ સાથે જ અગાઉ ઉદવાડા અને ડુંગરી દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા છે. જેમાં 10 જેટલા પેકેટ પોલીસે બિનવારસી હાલતમાં કબજે કર્યા હતા.