સમાજ કેટલો કાયર સંવેદનહીન થઈ ગયો?
લોકોએ ઘરના દરવાજા બંધ કરી દીધા, વિડીયો ઉતાર્યા
માત્ર બાર વર્ષની ઉંમરની એક બાળકી દુષ્કર્મનો ભોગ બની. પીડીતાએ ઉજ્જૈનની શેરીઓમાં મદદ માટે પોકાર પાડ્યા પણ કોઈ માઈના લાલે તેનો હાથ ન પકડ્યો. નારી વંદનાના ગગનગાજી નારાઓ વચ્ચે મહિલાઓ કેટલી અસલામત છે અને સમાજ કઈ હદે કાયર અને સંવેદનહીન થઈ ગયો છે તેનું વધુ એક આઘાતજનક દ્રષ્ટાંત જોવા મળ્યું.
મહાકાલનું જ્યાં બેસણું છે એ પવિત્ર નગરી ઉજજૈનથી માત્ર 15 km દૂર બડાનગર રોડ ઉપર અજાણ્યા શખ્સ અથવા શખ્સો દ્વારા આ બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એ હેવાનોએ એટલો અત્યાચાર કર્યો હતો કે બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. તેના વસ્ત્રો ફાટી ગયા હતા. આવી લોહી નીંગળતી હાલતમાં અને નામ પૂરતું જ શરીર ઢંકાતું હોય એવા વસ્ત્રો સાથે એ હતભાગી બાળકીએ એ વિસ્તાર ની શેરીઓમાં મદદ માટે પોકાર પાડ્યા પણ કોઈ મદદે ન આવ્યું. ભયભીત, રડતી,કરગરતી, ધ્રુજતી, કાકલુદી કરતી એ બાળકીએ એક એક ઘરની ડેલી ખખડાવી પણ લોકોએ દરવાજા બંધ કરી દીધા. એ દરમિયાન આ લાચાર બાળકીને નિહાળવા માટે લોકો એકત્ર થઈ ગયા હતા. કેટલાક લોકોએ મદદ કરવાને બદલે બાળકીની આ દુર્દશાના વિડીયો ઉતાર્યા. અંતે આ બાળકી નજીકના એક આશ્રમમાં પહોંચી ત્યારે એ આશ્રમના મઠાધિપતિએ તેને આશરો આપ્યો. એક ટોવેલ વડે તેનું શરીર ઢાંક્યા બાદ એ બાળકીને હોસ્પિટલે ખસેડવામાં આવી.
દુષ્કર્મ અને ત્યારબાદ સમાજની ઉપેક્ષા નો ભોગ બનેલી આ બાળકી એ હદે ગભરાયેલી છે કે પોલીસને કાંઈ જવાબ પણ નથી આપી શકતી. બનાવની ગંભીરતા પારખી પોલીસની વિવિધ ટુકડીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકી મૂળ ક્યાંની છે અને ઘટના કઈ જગ્યાએ બની તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી પણ બાળકીની ભાષા જોતા તે ઉત્તર પ્રદેશના ગોરખપુર તરફની હોવાનું પોલીસનું અનુમાન છે.
મધ્ય પ્રદેશમાં મહિલાઓ અસલામત
આ બનાવને કારણે મધ્યપ્રદેશમાં કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ તેમજ મહિલાઓ ઉપરના અત્યાચારના મુદ્દા સપાટી ઉપર આવી ગયા છે. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે 2019 થી 2021 દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મહિલાઓ લાપતા બનવાના સૌથી વધારે બનાવ નોંધાયા હતા. 2021 માં મધ્યપ્રદેશમાં દરરોજની 18 લેખે દુષ્કર્મની કુલ 6462 ઘટના બની હતી અને એ પીડિતાઓમાંથી અડધો અડધ સગીર વયની હતી.