ક્રિસ્ટલ મોલ નજીક એચ.એમ. આંગડીયામાં તપાસ અર્થે ગયેલા જીએસટી અધિકારી ઉપર હુમલો
આંગડિયા પેઢીના સંચાલક અને કર્મચારી પેઢીનું સાહિત્ય લઈ ફરાર:ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો
રાજકોટના ક્રિસ્ટલ મોલ નજીક પુષ્કરધામ રોડ આવેલ એચ.એમ. આંગડીયામાં તાપસ માટે ગયેલ જીએસટી વિભાગના અધિકારી ઉપર આંગડિયા પેઢીના સંચાલક અને કર્મચારીએ હુમલો કરતાં આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો છે.
જુનાગઢ જીએસટી વિભાગમાં ફરજ બજાવતા સમીરભાઇ મહેન્દ્રભાઇ જયસ્વાલને રાજકોટ ક્રિસ્ટલ મોલ નજીક પુષ્કરધામ રોડ પુષ્કરધામ મંદીરની બાજુમા શીવાલીક-૧ કોમ્પલેક્ષ પહેલા માળે આવેલ એચ.એમ. આંગડીયા ખાતે તપાસની કામગીરી સોંપવામા આવેલ હતી. જેથી સમીરભાઇ મહેન્દ્રભાઇ જયસ્વાલ સ્ટાફના કેવલભાઇ દીલીપભાઇ ટાંક સાથે એચ. એમ.આંગડીયા ખાતે ગયેલ હતા. ત્યા એચ.એમ.આં ગડીયા ખાતે નોકરી કરતા તેજસ સોલંકીને મળી તપાસ માટે આવ્યા હોવાની વાત કરી હતી. તેજસને ધંધાકીય પ્રવૃતિ તેમજ વ્યવહારો વિશે પૂછપરછ કરતા તે એક મહીનાથી જ અહીંયા નોકરી કરતો હોય મને વધુ જાણકારી નથી તેમ કહી વધુ માહિતી પેઢીના માલીક મયુરસિંહ ગોહિલ ઉર્ફે મોન્ટુભાઇ આપી શકશે તેમ કહી તેજસભાઇએ મયુરસિંહ ગોહિલને ફોન કરી બોલાવ્યા હતા. મયુરસિંહ ગોહિલે આવી ઉશ્કેરાઇને તમને મારા ધંધાના સ્થળે આવવાનો અધિકાર કોણે આપ્યો તેમ કહીને ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. તેમજ બચાવવા વચ્ચે પડેલા સાથેના કેવલભાઇને પણ ધક્કો મારી પછાડી દીધેલ. અને મયુરસિંહ તથા તેજસ તેઓ પોતાનું ધંધાકીય સાહિત્ય લઇ ત્યાંથી ભાગી ગયેલ હતા. આ બનવા અંગે યુનિવર્સિટી પોલીસમાં જીએસટી અધિકારી સમીરભાઇ મહેન્દ્રભાઇ જયસ્વાલે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો.