‘તું મારી પત્ની જેવી જ લાગે છે’ કહી તબીબ વિદ્યાર્થિની પર દુષ્કર્મ
સુનિલ સુચક નામના શખ્સે ઓફિસ, કાર સહિતની જગ્યાએ કુકર્મ આચર્યું: યુવતીની માતા-બહેન સાથે પણ ઝઘડો કર્યો
યુવતીની સગાઈ થઈ જતાં અંગત પળના વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી સાથે સાથે સોશ્યલ મીડિયા ઉપર પણ બેફામ પજવી
રાજકોટના રેલનગરમાં રહેતી અને માસ્ટર ઓફ ડાયગ્નોસીસનો અભ્યાસ કરી રહેલી તબીબ વિદ્યાર્થિની ઉપર તેના પૂર્વ ભાગીદારે જ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાતાં પોલીસે દુષ્કર્મીની ધરપકડ કરી આગવી ઢબે સરભરા કરી હતી.
આ અંગે ૩૪ વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેણે બી.એચ.એમ.એસ. પૂર્ણ કરી લીધા બાદ હાલ માસ્ટર ઓફ ડાયગ્નોસીસનો અભ્યાસ કરી રહી છે. ચારેક વર્ષ પહેલાં ડૉક્ટરની નોકરી બાબતેની અખબારમાં જાહેરાત વાંચ્યા બાદ તેનો સંપર્ક સુનિલ હિંમતલાલ સુચક કે જે અમીપાર્ક બ્લોક સી-૫, મોદી સ્કૂલ પાછળ રહે છે તેની સાથે થયો હતો. સુનિલે યુવતીને કહ્યું હતું કે તેની પત્ની ડૉક્ટર હતી અને તે રૈયા રોડ પર જનતા ડેરી સામેની શેરીમાં આવેલા ગીરીરાજનગર પાસે રોડના ખૂણે શિવ ક્લિનિકમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. જો કે કોરોના સમયે તેનું મૃત્યુ થતાં હાલ એ ક્લિનિક બંધ પડ્યું છે. જો તબીબી વિદ્યાર્થિની એ ક્લિનિક સંભાળી લ્યે તો ૫૦% ભાગીદારી આપવાની મૌખિક વાત કરી હતી. આ પછી સુનિલ યુવતીને પૈસા પણ આપતો હતો.
થોડા સમય બાદ સુનિલ તેની પુત્રીને ક્લિનિક પર મોકલતા હોય યુવતીને તેના ઘેર અવર-જવર થઈ રહી હોય સુનિલ સાથે સંપર્ક વધુ ગાઢ થઈ ગયો હતો. થોડા દિવસ બાદ સુનિલે યુવતીને કહ્યું હતું કે તમે મારા પત્ની જેવા જ લાગો છો…! મીત્રતા થઈ ગયા બાદ બન્ને ફરવા પણ જતા હતા. વર્ષ ૨૦૨૩માં યુવતીએ અભ્યાસ પર ધ્યાન આપવા માટે નોકરી છોડી દીદીધી હતી અને તેની સગાઈ પણ નક્કી થઈ ગઈ હતી.
દરમિયાન ૩૦ જાન્યુઆરીએ સવારે ૭:૩૦ વાગ્યે યુવતી માધાપર ચોકડી પાસે બસની રાહ જોઈ રહી હતી ત્યારે સુનિલ તેની કાર લઈને ધસી આવ્યો હતો અને કહ્યું હતું કે તેની સાથે યુવતી શરીરસંબંધ નહીં રાખે તો સગાઈ તોડાવી નાખશે અને વીડિયો વાયરલ કરી દેશે. આમ કહીને તે યુવતીને શિતલ પાર્ક, બીઆરટીએસ પાસે ધ સ્પાયર બિલ્ડિંગ-૨માં ૧૩ માળે લઈ ગયો હતો જ્યાં દુષ્કર્મ ગુજારી વીડિયો ઉતારી લીધો હતો. આ પછી એ જ રાત્રે ૧૧:૩૦ વાગ્યે સુનિલ યુવતીના ઘેર ધસી ગયો હતો અને ત્યાં તેને ધમકી આપી હતી કે તારે કુંવારું જ રહેવાનું છે નહીંતર વીડિયો વાયરલ કરી દઈશ. બીજા દિવસે ફરી સુનિલ આવ્યો હતો અને કારમાં બેસાડી યુવતીને અવાવરુ સ્થળે લઈ જઈ વધુ એક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. ચાર ફેબ્રુઆરીએ સુનિલે યુવતીના ઘેર જઈ માતા અને બહેન સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ૧૩ માર્ચથી યુવતીને સોશ્યલ મીડિયા ઉપર પણ હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.