સગીરા પર દુષ્કર્મ ગુજરાનાર નરાધમને ૨૦ વર્ષની સજા
શહેરમાં વર્ષ ૨૦૨૨માં ૧૫ વર્ષની સગીરાને લગ્નની લાલચે ભગાડી લઈ જઈ તેણીની સાથે બળજબરી પૂર્વક એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો ગુનો નોંધાયો હતો. આ પોક્સો-દુષ્કર્મ કેસમાં અદાલતે આરોપી સાગર ચુડાસમાને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સજાનો હુકમ કર્યો હતો.
આ કેસની હકિકત મુજબ, ભોગ બનનાર ના પિતાએ વર્ષ 2022માં બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સાગર ચીમનભાઈ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેની પુત્રીની ઉંમર 15 વર્ષની હોય જેને આરોપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો છે. જેના આધારે પોલીસે તપાસ કરી આરોપીને પકડી લઇ સગીરાને મુક્ત કરાવી હતી ત્યારે તેણીએ આપવીતી જણાવતા કહ્યું હતું કે આરોપીએ તેણીની મરજી વિરુદ્ધ એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસે આ કેસમાં પોક્સો સહિતની કલમનો ઉમેરો કર્યો હતો. પુરતા પુરાવા મળી આવતાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું..
કેસ ચાલવા પર આવતા ફરિયાદી, ભોગબનનાર, મેડિકલ ઓફિસર, પોલીસ સાહેદો સહિતના નિવેદનો રેકર્ડમાં લેવામાં આવ્યા હતાં તેમજ બંને પક્ષકારો દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈને પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની કેદ તેમજ ભોગબનનારને રૂપિયા ૭ લાખ વળતર પેટે આપવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એપીપી મહેશકુમાર જોષી રોકાયેલા હતા.