રાજકોટમાં સાવ સામાન્ય કહી શકાય તેવી બાબતે હવે છૂટાહાથની મારામારી, છરીઓ હુલાવી દેવા સહિતના બનાવો બની રહ્યા છે તેમાં વધુ એક ઉમેરો થવા પામ્યો છે. ગંજીવાડામાં હોર્ન વગાડવા બાબતે લુખ્ખાએ યુવકના માથામાં છરીનો ઘા મારી દેતાં તેને લોહી નીકળતી હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે ઉમરભાઈ ઉર્ફે ડાડો હનીફભાઈ કંડિયા (ઉ.વ.23)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે રવિવારે રાત્રે ૧૨ વાગ્યા આસપાસ તે અને તેને મિત્ર અભિ વ્યાસ છોટાહાથીમાં સાઉન્ડ સિસ્ટમનો સામાન ભરી ગંજીવાડામાં મુકવા જઈ રહ્યા હતા ત્યારે ગંજીવાડા મેઈન રોડ પર ભૈયાની વાડી પાસે રામા મંડળ ચાલું હતું જેથી વાહન ધીમેની ચાલીને જતો હતો ત્યારે રોડ ઉપર ટ્રાફિક હોવાથી તેણે હોર્ન વગાડ્યું હતું.
આ સમયે ત્યાં મહેશ ઉર્ફે દાઉદ મુળજીભાઈ મકવાણાએ ઉમર પાસે ધસી આવી કેમ હોર્ન વગાડે છે કહી માર મારવાનું શરૂ કરી પેન્ટના નેફામાંથી છરી કાઢી માથામાં ડાબી બાજુ કાનની ઉંમરના મારે એક ઘા મારી દેતાં ઉમર ત્યાં જ ઢળી પડતાં મહેશ ઉર્ફે દાઉદ ભાગી ગયો હતો. આ પછી ઉમરને તેના બનેવીએ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યો હતો.