‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવવા નીકળેલો શખસ પકડાયો
રેલનગરના શખસને ચોટીલા નજીકથી નાની મોલડી પોલીસે ઝડપી ગુનો નોંધ્યો
પોલીસમાં ન હોવા છતાં રોફ જમાવવા અનેક નબીરાઓ કારની આગળ પોલીસ લખેલી નેમ પ્લેટ લગાવીને નીકળી પડતા હોય છે.ત્યારે રાજકોટમાં રેલનગરમાં રહેતો શખસ પોતાની કારમાં પોલીસની નેમ પ્લેટ લગાવીને નીકળતા ચોટીલા નજીકથી નાની મોલડી પોલીસે દબોચી ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ નાની મોલડી પોલીસનો સ્ટાફ ચોટીલા હાઇવે પર વાહન ચેકિંગ કામગીરી કરતા હતા.તે સમયે રાજકોટ તરફથી કાર પસાર થતાં તેમાં ડેશ બોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ જોતા તેને અટકાવી કારચાલક પૂછપરછ કરાઇ હતી. ત્યારે આ શખસ રાજકોટના રેલનગર રહેતા કેતનભાઇ કિશોરભાઈ અગ્રાવત હોવાનું જણાવ્યું હતું. પોલીસ લખેલી પ્લેટ રાખવા બાબતે માહિતી ન હોવાનું જણાવતા ખોટી રીતે પોલીસ પ્લેટનો ઉપયોગ કરવા બદલ તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં શુક્રવારે ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતા રસ્તે ‘ભાજપ મંત્રી’ લખેલી નેમ પ્લેટ લગાવી એક શખ્સ કાર લઇ નીકળ્યો હતો અને પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ મળી આવી હતી.